• મંગળવાર, 30 જૂન, 2026

યુક્રેનનાં હુમલાથી રશિયામાં પણ પેટ્રોલ-ડીઝલની કટોકટી

પહેલીવાર પુતિનની કબૂલાત : સામસામા ભીષણ હુમલા જારી

મોસ્કો,તા.29: યુક્રેન દ્વારા રશિયામાં કરવામાં આવેલા પ્રચંડ હુમલાઓથી ભારે મોટું નુકસાન થયું હોવાનું રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલીવાર કબૂલ્યું છે. આનાં હિસાબે રશિયામાં પણ પેટ્રોલ-ડીઝલની કટોકટી સર્જાઈ ગઈ છે.

પુતિન દ્વારા ઓઈલ મથકોની સુરક્ષા મજબૂત કરવા અને ઈંધણ ઉત્પાદન વધારવાનું આશ્વાસન પણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેને રશિયાનાં સૈન્ય અને ઊર્જા મથકોને નિશાન બનાવીને ડ્રોન હુમલા કર્યા હતાં. જેમાં રશિયાની બે ઓઈલ રિફાઈનરીઓને નિશાન બનાવવામાં આવી હતી.

દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે સામસામા હવાઈ હુમલાઓ જારી રહ્યાં છે અને યુક્રેનનાં ઝોપોરિજિયા શહેર ઉપર રશિયાનાં બોમ્બમારામાં બે લોકોનાં મૃત્યુ અને 16 ઘાયલ થયા હતાં. જ્યારે રશિયામાં બેલગોરાદ ક્ષેત્રમાં યુક્રેનનાં ડ્રોન હુમલાથી એક વ્યક્તિનું મૃત્યુ અને અન્ય એક ઘાયલ થયો હતો. રશિયાએ દાવો કર્યો હતો કે, તેનાં દ્વારા રાતભર ચાલેલા યુક્રેનનાં હુમલામાં 213 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતાં. જ્યારે યુક્રેને કહ્યું હતું કે, રશિયાએ 142 ડ્રોન અને આઠ મિસાઈલથી હુમલો કરેલો છે. જેમાંથી મોટા ભાગનાં હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા હતાં.

વિશ્લેષકોનાં મતે આ હુમલાનાં કારણે રશિયાનાં સૈન્ય અભિયાનની ગતિ પણ પ્રભાવિત થઈ છે. પુતિને રશિયાની સરકારી ટીવી ચેનલ ઉપર કહ્યું હતું કે, યુક્રેનનો ઉદ્દેશ રશિયાનાં સમાજમાં વિભાજન પેદા કરવાનો છે અને રશિયાને સૈન્ય પ્રગતિ રોકવા મજબૂર કરવા માગે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક