• મંગળવાર, 30 જૂન, 2026

ભાણવડના રોજીવાડા ગામે બંધ મકાનમાંથી લાખોની ચોરી

સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ.11.14 લાખની મતા સાફ

જામ ખંભાળિયા, તા.29 : દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોજીવાડા ગામની સીમમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ.11,14,000ની મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ અંગે ભાણવડ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોજીવાડા ગામની સીમમાં રહેતા ગંગદાસભાઈ માલદેભાઈ સોલંકી નામના ફરિયાદી ગત તા.27-06-26ના રોજ સવારના સાતેક વાગ્યે તેના કુટુંબ પરિવારના સભ્યો સાથે દ્વારકા ખાતે દર્શન કરવા ગયા હતા. અને રાત્રીના આઠ સાડા આઠેક વાગ્યાના અરસામાં પાછા ઘરે પરત આવ્યા હતા. ત્યારે દિવસના સમયગાળા દરમિયાન ફરિયાદી ગંગદાસભાઈના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પ્રવેશ કરી ઘરના તાળા તોડી કબાટમાંથી સોનાના તથા ચાંદીના દાગીના જેમાં સોનાની બુટ્ટી, લેડીઝ ચેન, સોનાની વીંટી, રજવાડી હાર અને નાકની નથ સહિત આશરે 15 તોલા સોનાના દાગીના કિં.રૂ.10,80,000 તેમજ ચાંદીના સાંકળા, બંગડી, માળા અને ચુક સહિત આશરે 150 ગ્રામ ચાંદીના દાગીના કિં.રૂ.17,000 તેમજ રોકડા રૂ.17000 મળી કુલ રૂ.11,14,000ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે ભાણવડ પોલીસે ગંગદાસભાઈ સોલંકીની ફરિયાદ પરથી ઉપરોક્ત અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુને નોંધી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક