• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

કોમર્શિયલ ગેસનાં ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો

હોટેલ, રેસ્ટોરાંને 19 કિલોનાં એલપીજી સિલિન્ડરમાં રાહતઃ વિમાન ઈંધણનાં ભાવમાં ફરી 5 રૂપિયાનો વધારો

નવી દિલ્હી, તા.1 અમેરિકા અને ઈરાન વચ્ચે ઘર્ષણમાં છેલ્લા થોડા દિવસમાં ઘટેલી તીવ્રતાનાં કારણે ક્રૂડ ઓઈલનાં વૈશ્વિક ભાવોમાં પણ થોડી નરમાશ જોવા મળી હતી. જેનાં હિસાબે હવે દેશમાં પણ ઈંધણમાં થોડી રાહત મળી છે. હોટેલ, રેસ્ટોરાં જેવા વાણિજ્યિક વપરાશ માટેનાં એલપીજી સિલિન્ડરનાં ભાવમાં આજે 192 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે વિમાન ઈંધણ એટલે કે એટીએફની કિંમતમાં પ્રતિ લિટર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલું રાંધણ ગેસનાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની તરફથી ઈંધણનાં ભાવની સમીક્ષા બાદ જાહેર કરવામાં આવેલી નવી કિંમતો અનુસાર દિલ્હીમાં હવે 19 કિલોનાં કોમર્શિયલ એલપીજીનાં બાટલાનો ભાવ 2930 રૂપિયાથી ઘટીને 2738 રૂપિયા થયો છે. જ્યારે એટીએફનો ભાવ  110 રૂપિયાથી વધીને 115 રૂપિયા કરવામાં આવ્યો છે.

કોમર્શિયલ ગેસનાં ભાવમાં સતત બીજો માસિક ઘટાડો છે. પહેલા 1 જુલાઈએ પણ તેમાં 183.5 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે એટીએફનાં ભાવમાં આજે કરવામાં આવેલા વધારાનાં કારણે 1 જુલાઈએ તેમાં થયેલો ઘટાડો હવે સરભર થઈ ગયો છે.

કોલકતામાં કોમર્શિયલ એલપીજીનો ભાવ 209 અને દિલ્હીમાં 202 રૂપિયા જેટલો ઘટÎ છે. જેનાં હિસાબે કોલકતામાં 19 કિલોનાં એલપીજીનાં બાટલાનો ભાવ 2872 રૂપિયા થયો છે.

કોમર્શિયલ ગેસનાં ભાવમાં ઘટાડો થવાનાં કારણે હોટેલ, રેસ્ટોરાં, ચાની દુકાનો સહિતને સીધી રાહત મળશે. તેનાં હિસાબે ગ્રાહકોને પણ આનો લાભ મળી શકે છે. બીજીબાજુ ઘરેલું રાંધણ ગેસનાં 14.2 કિલોનાં બાટલાનાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં હાલ ઘરેલું એલપીજી સિલિન્ડરનો ભાવ 942 રૂપિયા, મુંબઈમાં 941.50 રૂપિયા અને ચેન્નઈમાં 957.50 રૂપિયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક