• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

ચેસ ઓલિમ્પિયાડમાં ટોચનું સ્થાન મેળવવાથી ભારત ચૂક્યું

અઝરબૈજાન સામે મેન્સ અને કઝાકિસ્તાન સામે વિમેન્સ ટીમ 2-2થી ડ્રો

નવી દિલ્હી, તા.25 : સમરકંદ ખાતે રમાઈ રહેલા 46મા ફીડા ચેસ ઓલિમ્પિયાડના આઠમાં રાઉન્ડમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત માટે દિવસ મિશ્ર પરિણામોવતતાળો રહ્યો છે. મેન્સ અને વિમેન્સ બંને કેટેગરીમાં ભારતીય ટીમોને 2-2ના સ્કોર સાથે ડ્રોથી સંતોષ માનવો પડયો હતો. આ પરિણામને પગલે ભારતીય પુરુષ ટીમ પાસે પોઇન્ટ ટેબલની ટોચ પર પહોંચવાની સુવર્ણ તક હતી તે હાથમાંથી સરકી ગઈ. બીજી તરફ કઝાકિસ્તાન સામે પોઇન્ટ વહેંચવા પડતાં ભારતીય મહિલા ટીમ બીજા સ્થાને સરકી ગઈ છે, જ્યારે ચીને લીડ મેળવીને પ્રથમ સ્થાન કબજે કર્યું છે.

  અઝરબૈજાન સામેના મુકાબલામાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર્સ આર. પ્રજ્ઞાનાનંદા, અર્જુન એરિગૈસી, ડી. ગુકેશ અને વિદિત ગુજરાતી ચારેય ખેલાડીઓની બાજી ડ્રોમાં પરિણમી હતી. ત્રીજા બોર્ડ પર ડી. ગુકેશે મરદલી મહમ્મદ સામે દબાણ બનાવીને મજબૂત સ્થિતિ ઊભી કરી હતી. પણ અંતે ડ્રો થયો હતો. આર. પ્રજ્ઞાનાનંદાને અનુભવી શાખરિયાર મામેદયારોવે ડ્રો પર રોકી રાખ્યો હતો. અર્જુન એરિગૈસી અને આયદિન સુલેમાનલી વચ્ચેનો મુકાબલો પણ અનિર્ણિત રહ્યો, જ્યારે ચોથા બોર્ડ પર વિદિત ગુજરાતીએ રઉફ મામેદોવ સામે પોઇન્ટ વહેંચવો પડયો હતો.

આજે સૌથી મોટો ઉલટફેર જર્મનીએ કર્યો હતો. તેમણે ટેબલ-ટોપર અને યજમાન ઉઝબેકિસ્તાનને 2.5-1.5થી પરાજય આપ્યો. આઠમા રાઉન્ડના અંતે ઉઝબેકિસ્તાન અને જર્મની 14-14 મેચ પોઇન્ટ સાથે સંયુક્ત મોખરે છે. ભારત, ચીન, નેધરલેન્ડ્સ અને અમેરિકા સહિતની 8 ટીમો 13-13 પોઇન્ટ સાથે સંયુક્ત બીજા ક્રમે ટાઈ થઈ છે. હવે ટૂર્નામેન્ટમાં માત્ર 3 રાઉન્ડ બાકી હોવાથી ગોલ્ડ મેડલની રેસ રોમાંચક ટર્ન પર પહોંચી ગઈ છે.

મહિલા કેટેગરીમાં કઝાકિસ્તાન સામેનો મુકાબલો 2-2થી બરાબરી પર રહ્યો. સવિતા શ્રીએ પોતાની શાનદાર ફોર્મ જાળવી રાખતાં એલ્નાઝ કલીખમેતને પરાજય આપી સતત 7મો વ્યક્તિગત વિજય નોંધાવ્યો. ટૂર્નામેન્ટમાં તેનો રાટિંગ પર્ફોર્મન્સ 2955 જેવો અસાધારણ રહ્યો છે. જોકે, વૈશાલી રમેશબાબુને નુરમન અલુઆ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જે ભારત માટે મોટો ફટકો સાબિત થયો. સિનિયર ખેલાડી કોનેરુ હમ્પીએ બિબિસારા અસૌબાયેવા સામે અને દિવ્યા દેશમુખે મેરુએર્ટ કમાલિદેનોવા સામે બાજી ડ્રો રાખી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક