તાલિબાની સુપ્રીમ લિડરના ગઢ કંધાર સહિત 10 જગ્યાએ પાકિસ્તાને કર્યો બોમ્બમારો : સ્થિતિ વણસવાની પૂરી આશંકા
નવી દિલ્હી, તા. 24 : પાકિસ્તાને
અફઘાનિસ્તાન ઉપર ફરી એક વખત એરસ્ટ્રાઇક કરી છે. સૂચના મંત્રીએ નિવેદન જાહેર કરતા કહ્યું
હતું કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં 10 જગ્યાએ એરસ્ટ્રાઇક કરી છે. જેમાં એક જગ્યા કંધાર
છે. જ્યાં તાલિબાન સરકારના સુપ્રીમ લીડર હિઝતુલ્લાહ અખુંદજાદા રહે છે. રિપોર્ટ અનુસાર
ગુરુવારે દક્ષિણ અફઘાનિસ્તાન શહેરમાં હુમલો થયો હતો. આસપાસના લોકોએ એક જેટનો અવાજ સાંભળ્યો
હતો, પછી જોરદાર ધડાકો થયો હતો અને શહેરની વચ્ચોવચ આગ ફાટી નીકળી હતી. અફઘાનિસ્તાનની
સેના અને સરકારી અધિકારીઓએ હુમલાને લઈને તાકીદે કોઈ નિવેદન જાહેર કર્યું હતું.
------
અફઘાનમાં પાક.ની એર સ્ટ્રાઇક
સામે રશિયાની વક્રદૃષ્ટિ
નવીદિલ્હી, તા.24 : પાકિસ્તાને
સતત બીજીવાર અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી છે. પાક. વાયુ સેનાએ અફઘાનિસ્તાનમાં
10 ઠેકાણે હુમલો કર્યો હતો. અફઘાનિસ્તાન આ હુમલામાં 4 નાગરિક મરાયા હોવાનું જણાવે છે.
જો કે આ વખતે પાક.ના આ હુમલા સામે રશિયાએ વક્ર નજર કરી છે. અત્યાર સુધી પાક.ની આવી
કોઈપણ કાર્યવાહી સામે સંતુલિત અભિગમ અપનાવતા આવેલા રશિયાએ આ વખતે તીખી પ્રતિક્રિયા
આપી છે. કાબુલમાં રશિયાના દૂતાવાસે કહ્યું છે કે, અફઘાનિસ્તાનનાં પૂર્વ પ્રાંતોમાં
થયેલા હવાઈ હુમલાનાં કારણે સામાન્ય નાગરિકોનાં મૃત્યુ અને ઈજાગ્રસ્ત બન્યાનાં અહેવાલોથી
રશિયા ખૂબ જ ચિંતિત છે. રશિયાએ કોઈપણ પક્ષકારનું નામ લીધા વગર ટકરાવ ટાળવા અને વાતચીતથી
મતભેદો ઉકેલવાનો આગ્રહ પણ કર્યો છે.