મેન્સ ટીમે ઇંગ્લેન્ડને 2.5-1.5થી પછાડયું ; મહિલા ટીમે જર્મની સામે 3.5-0.5થી મેળવ્યો વિજય
નવી
દિલ્હી, તા.24 : સમરકંદ ખાતે રમાઈ રહેલા 46મા ફિડે ચેસ ઓલિમ્પિયાડના સાતમા રાઉન્ડમાં
ભારતીય ટીમોએ શાનદાર પુનરાગમન કર્યું છે. પાછલા રાઉન્ડમાં ઉઝબેકિસ્તાન સામે ઝીલેલા
આંચકા બાદ ભારતીય મેન્સ ટીમે ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદ અને વર્લ્ડ ચેમ્પિયન ડી.
ગુકેશની જીતની મદદથી ઇંગ્લેન્ડને 2.5-1.5થી પરાજય આપ્યો હતો. બીજી તરફ, ભારતીય મહિલા
ટીમે પણ પોતાનું દમદાર પ્રદર્શન જાળવી રાખતાં જર્મનીને 3.5-0.5ના મોટા અંતરથી હરાવ્યું
હતું.
ટોપ
બોર્ડ પર રમતા આર. પ્રજ્ઞાનાનંદે કાળા મહોરાંથી રમવા છતાં ઇંગ્લેન્ડના પીઢ ગ્રાન્ડમાસ્ટર
નિકિતા વિત્યુગોવ સામે શરૂઆતથી જ દબાણ જાળવી રાખ્યું હતું અને આખરે વિજયી ચાલ સાથે
પોઇન્ટ આંચકી લીધો હતો. આ સ્પર્ધામાં પ્રજ્ઞાનાનંદની આ બીજી જીત છે. આ સાથે ચોથા બોર્ડ
પર વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશે ડેનિયલ હોવર્ડ ફર્નાન્ડિઝ સામે બાજી સંભાળી હતી. સમયના
ભારે દબાણ વચ્ચે ફર્નાન્ડિઝે 40મી ચાલે કરેલી ગંભીર ભૂલનો ગુકેશે પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો
હતો અને મેચ પર પોતાની પકડ મજબૂત કરીને વિજય નોંધાવ્યો હતો.
મહિલા
વિભાગમાં ભારતીય ટીમે જર્મની સામે જીત મેળવી હતી. ટોપ બોર્ડ પર કોનેરુ હમ્પીએ દીનારા
વેગ્નરને હારનો સ્વાદ ચખાડયો હતો. ત્રીજા બોર્ડ પર દિવ્યા દેશમુખે પોતાની શ્રેષ્ઠતા
સાબિત કરતાં જીત મેળવી હતી જ્યારે ચોથા બોર્ડ પર સાવિતા શ્રીએ લારા શુલ્ઝેને પરાજિત
કરીને ટૂર્નામેન્ટમાં પોતાની સતત છઠ્ઠી જીત નોંધાવી હતી. આર. વૈશાલીનો મુકાબલો ડ્રો
રહ્યો હતો.