વરસાદના કારણે બંને ટીમો સેમિફાઇનલમાં
નવી
દિલ્હી, તા.28: જાપાનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટ સ્પર્ધા અંતર્ગત
ભારત અને પાકિસ્તાને એકપણ બોલ રમ્યા વિના સીધો જ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
28 સપ્ટેમ્બરના રોજ સૌપ્રથમ પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો
વરસાદના વિઘ્નને કારણે ટોસ વિના જ રદ કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાનને તેના ચડિયાતા
આઈસીસી ટી20 રેન્કિગના આધારે સેમિફાઇનલમાં સ્થાન મળ્યું હતું. તેના થોડા કલાકો બાદ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં પણ સતત વરસાદના કારણે સમાન સ્થિતિ સર્જાઈ હતી
અને ટોસ પણ થઈ શક્યો ન હતો. પરિણામે રેન્કિગમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક ધરાવતી ભારતીય
ટીમે દસમા ક્રમાંકિત અફઘાનિસ્તાન સામે પોતાના ઉચ્ચ રેન્કિગના ફાયદા સાથે અંતિમ ચારમાં
પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
આમ,
એશિયાની બંને કટ્ટર હરીફ ટીમો સેમિફાઇનલમાં તો પહોંચી ગઈ છે, પરંતુ તેઓ હાલના તબક્કે
એકબીજા સામે ટકરાશે નહીં. સત્તાવાર કાર્યક્રમ અનુસાર, 1 ઓક્ટોબરના રોજ રમાનારી સેમિફાઇનલમાં
ભારતનો સામનો શ્રીલંકા અને નેપાળ વચ્ચે રમાનારા ક્વાર્ટર ફાઇનલ મુકાબલાની વિજેતા ટીમ
સામે થશે. બીજી તરફ, પાકિસ્તાનની ટીમ પોતાની સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશ અથવા મલેશિયામાંથી
જે ટીમ ક્વાર્ટર ફાઇનલ જીતશે તેની સામે મેદાનમાં ઉતરશે.
જો
ભારત અને પાકિસ્તાન બંને પોતપોતાની સેમિફાઇનલ મેચ જીતવામાં સફળ રહેશે તો ક્રિકેટ ચાહકોને
3 ઓક્ટોબરના રોજ ગોલ્ડ મેડલ માટે આ બે કટ્ટર હરીફો વચ્ચે હાઈ-વોલ્ટેજ ફાઇનલ મુકાબલો
જોવા મળી શકે છે. આશ્ચર્યજનક રીતે, જો બંને ટીમો સેમિફાઇનલમાં હારી જાય છે, તો પણ તેઓ
તે જ દિવસે બ્રોન્ઝ મેડલ માટે એકબીજા સામે ટકરાશે. નોંધનીય બાબત એ છે કે, જો આગામી
સેમિફાઇનલ મેચો પણ વરસાદમાં ધોવાઈ જશે, તો પણ ભારત અને પાકિસ્તાન બંનેને તેમના ઉચ્ચ
રેન્કિગનો સીધો ફાયદો મળશે અને બંને ટીમો ફાઇનલમાં પ્રવેશ કરી લેશે.