• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

કાઉન્ટી ક્રિકેટમાં જયદેવ ઉનડકટે 7 વિકેટ ઝડપી સસેક્સને અપાવી જીત

 સસેક્સે હેમ્પશાયર સામે 197 રનથી જીત નોંધાવી

 

 નવી દિલ્હી, તા.27:  મૂળ સૌરાષ્ટ્રના ડાબોડી ઝડપી બોલર જયદેવ ઉનડકટે ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં પોતાની બાલિંગનો જબરદસ્ત પરચો આપ્યો છે. ઉનડકટના કારણે સસેક્સે હેમ્પશાયર સામે 197 રનોના વિશાળ અંતરથી શાનદાર જીત નોંધાવી છે. આ મેચમાં ઉનડકટે બંને દાવમાં કુલ 7 વિકેટો ઝડપી હતી.

સસેક્સે પ્રથમ બાટિંગ કરતા પોતાના પ્રથમ દાવમાં 244 રન નોંધાવ્યા હતા. બાદમાં હેમ્પશાયરની ટીમ બાટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. ત્યારે જયદેવ ઉનડકટની સ્વીંગ અને સચોટ લાઈન-લેન્થ સામે હેમ્પશાયરના બેટ્સમેનો ટકી શક્યા નહીં. ઉનડકટે માત્ર 32 રન આપીને 5 વિકેટ પોતાના નામે કરી હતી. પરિણામે, હેમ્પશાયરનો પ્રથમ દાવ માત્ર 128 રનમાં જ સમેટાઈ ગયો હતો. આ સાથે જ સસેક્સે પ્રથમ દાવના આધારે 116 રનની નિર્ણાયક સરસાઈ મેળવી લીધી હતી.  પોતાના બીજા દાવમાં સસેક્સના ઓપનર હેન્સે 130 રનની શાનદાર સદી ફટકારીને ટીમને અત્યંત મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. સસેક્સે પોતાનો બીજો દાવ 9 વિકેટે 319 રન પર ડિક્લેર કર્યો હતો અને હેમ્પશાયર સમક્ષ 435 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હેમ્પશાયરની ટીમ મોટા સ્કોરના દબાણ સામે ઝૂકી ગઈ હતી અને આખી ટીમ 238 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જયદેવ ઉનડકટને 29 રન આપીને 2 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક