2009 પછી રણજી મુકાબલામાં કર્ણાટક સૌરાષ્ટ્રને ક્યારેય હરાવી શક્યું નથી
નવી દિલ્હી, તા.17: ચાલુ રણજી ટ્રોફી સીઝનમાં કર્ણાટકની ટીમે પોતાની
બીજી આકરી કસોટીનો સામનો કરવો પડશે. એલીટ ગ્રૂપ-બીના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં રવિવારથી
બેંગલુરુ નજીક આવેલા કેએસસીએ આલુર ગ્રાઉન્ડ ખાતે કર્ણાટકનો સામનો મજબૂત પ્રતિસ્પર્ધી
સૌરાષ્ટ્ર સામે થશે. સ્થાનિક ક્રિકેટમાં દક્ષિણના પાવરહાઉસ ગણાતા કર્ણાટક સામે પશ્ચિમ
ભારતના સૌરાષ્ટ્રનો રેકોર્ડ તાજેતરના વર્ષોમાં સારો રહ્યો છે.
કર્ણાટકે છેલ્લે 2014-15માં રણજી ટાઇટલ જીત્યું હતું,
જ્યારે તે પછીના ગાળામાં સૌરાષ્ટ્ર બે વખત ચેમ્પિયન અને બે વખત રનર્સ-અપ રહ્યું છે.
આંકડાકીય દ્રષ્ટિએ પણ સૌરાષ્ટ્ર કર્ણાટક માટે મોટો માથાનો દુખાવો સાબિત થયું છે; વર્ષ
2009 પછી કર્ણાટક રણજી મુકાબલામાં સૌરાષ્ટ્રને ક્યારેય હરાવી શક્યું નથી.
સૌરાષ્ટ્રની ટીમ અગાઉના મુકાબલામાં ડ્રો રમ્યા બાદ
આ મેચમાં ઉતરી રહી છે, જોકે પ્રથમ ઈનિંગ્સની લીડના જોરે તેની પાસે 3 પોઈન્ટ છે. જ્યારે
કર્ણાટક પાસે માત્ર 1 પોઈન્ટ છે. છત્તીસગઢ સામેની શરૂઆતી મેચમાં 102 રનની સદી ફટકારવા
ઉપરાંત 3 વિકેટ ઝડપનાર સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા આ મેચમાં રમશે નહીં. જાડેજાની
ગેરહાજરી છતાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટને ટીમની સંતુલિતતા પર ભરોસો છે. જોકે,
તાજેતરના વર્ષોમાં ચેમ્પિયન બનવા છતાં વિતેલી ત્રણ સિઝનથી સૌરાષ્ટ્ર ક્વાર્ટર ફાઇનલથી
આગળ વધી શક્યું નથી, જેને પગલે બંને ટીમો આ મેચમાં પૂરા 6 પોઈન્ટ હાંસલ કરવા એડીચોટીનું
જોર લગાવશે. આ ઉપરાંત બંને ટીમોની નજર આલુરના હવામાન પર પણ રહેશે જેથી વરસાદ મેચમાં
ખલેલ ન પહોંચાડે.