• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

કઠુઆમાં આતંકી હુમલે; ચાર જવાન શહીદ

બે મહિનામાં સૈન્ય વાહન પર બીજો હુમલો : છ જવાન ઘાયલ; સેનાએ વળતો પ્રહાર કર્યો : આતંકીઓ જંગલમાં નાસી ગયા

શ્રીનગર, તા. 8 : માણસાઇના દુશ્મન આતંકવાદીની કમર તોડવા દેશના જાંબાઝ જવાનો પોતાના પ્રાણની પણ પરવા નથી કરતા. કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આ હકીકતની પ્રતીતિ કરાવતી ઘટનામાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કરતાં ચાર જવાન શહીદ થઇ ગયા હતા.

કઠુઆના લોહી મલ્હાર તાલુકાના મચહેડી ક્ષેત્રના બડનોય ગામમાં સોમવારે આતંકવાદી હુમલામાં ચાર સૈનિકોએ બહાદુરભેર લડતાં પ્રાણોનું બલિદાન આપ્યું હતું.

છેલ્લા બે મહિનામાં સૈન્ય વાહન પર હુમલાના આજે બનેલા બીજા બનાવમાં અન્ય છ જવાન ઘાયલ થઇ ગયા હતા.

પહાડી વિસ્તારમાં આતંકવાદીઓએ તલાશી અભિયાન છેડનાર પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમના સૈન્ય વાહન પર નિશાન સાધતાં લોહિયાળ હુમલો કર્યો હતો.

સેનાએ મોટાપાયે તલાશી અભિયાન છેડવા સાથે છ આતંકવાદીઓને ફૂંકી મારતાં આતંકીઓ ભારે ગભરાઇ ગયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રારંભિક હુમલા બાદ આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા અને  પછી ગોળીબાર શરૂ કરી દીધો હતો.

પોલીસ અને સુરક્ષા દળોના જવાનોની સંયુક્ત ટીમે વળતા જવાબરૂપે ગોળીબાર કર્યો હતો, પરંતુ આતંકવાદીઓ ગાઢ જંગલમાં નાસી છૂટયા હતા.

સેનાના વાહન પર આ બે મહિનામાં બીજો હુમલો છે. આજથી પહેલાં ચોથી મેના દિવસે પુંચ જિલ્લાના શાહસિતાર વિસ્તારમાં વાયુદળના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

એ હુમલામાં કોર્પોરલ વિક્કી પહાડે શહીદ થસ ગયા હતા. તો અન્ય ચાર જવાન ઘાયલ થઇ ગયા હતા.

તો બે દિવસમાં સેના પર આજે બીજો આતંકી હુમલો કરાયો હતો. ગઇકાલે રવિવારની સવારે આતંકવાદીઓએ રાજૌરી જિલ્લાના મંજાકોટ ક્ષેત્રમાં એક સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો હતો જેમાં એક જવાન ઘાયલ થઇ ગયો હતો.

કાશ્મીર ખીણમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે જારી લડાઇમાં અત્યાર સુધી કુલ્લ છ આતંકવાદી ઠાર થઇ ચૂક્યા છે, તો તેમની સામે બાહોશીભેર લડતાં લડતાં કુલ્લ છ જવાન શહીદ થઇ ચૂક્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક