• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ખનીજ ઉપર કર લાગુ કરવાની સંસદને સત્તા નથી : સુપ્રીમ કોર્ટ

રાજ્યોને રાજી કરતા ચુકાદા સાથે કેન્દ્રની સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો : રોયલ્ટી કોઈ કર નથી, રાજ્યોનો લાગુ કરવાનો હક્ક

નવીદિલ્હી,તા.2પ: ખાણ-ખનિજ ઉપર રોયલ્ટી વસૂલાતનાં અધિકાર ઉપર 3પ વર્ષ પહેલાનો પોતાનો જ ફેંસલો પલટતા સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો હતો અને કહ્યું હતું કે, રોયલ્ટી કોઈ કર નથી અને રાજ્યોને તે વસૂલવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે આજે 8:1નાં બહુમતથી આપેલા નિર્ણયમાં કહ્યું હતું કે, સંસદ પાસે ખનિજ અધિકારો અંતર્ગત કર લગાડવાની કોઈ સત્તા નથી. જો કે તે ધારે તો રાજ્ય દ્વારા કર લાગુ કરવાની સીમા નિર્ધારિત જરૂર કરી શકે છે.

મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળ નવ ન્યાયમૂર્તિઓની બંધારણીય ખંડપીઠે આઠ વિરુદ્ધ એકના બહુમત સાથે આ ફેંસલો આપતાં જણાવ્યું કે, ખનિજો પર લાગતી રોયલ્ટી વેરો નથી.

મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે, ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન કાયદો રાજ્યોની વેરા વસૂલવાની શકિતઓને સીમિત કરતો નથી.

રાજ્યો રાજી થાય, તેવા ચુકાદામાં  સુપ્રીમની ખંડપીઠે સ્પષ્ટ કરી આપ્યું છે કે, રાજ્યોને ખાણો અને ખનિજોની જમીન પર રોયલ્ટી વસૂલવાનો પૂરો અધિખકાર બંધારણે જ આપ્યો છે.

હકીકતમાં  અલગ-અલગ રાજ્ય સરકારો અને ખનિજ કંપનીઓ તરફથી સુપ્રીમ કોર્ટને કુલ્લ 86 અરજીઓ કરાઇ નથી. સુપ્રીમ કોર્ટમાં આઠ દિવસ સુધી ચાલેલી સુનાવણીમાં  કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, રાજ્યોને આવો અધિકાર હોવો ન જોઇએ. ખાણો અને ખનિજો પર કેન્દ્ર તરફથી અત્યાર સુધી વેરા વસૂલાતના મુદ્દા પર 31 જુલાઇના સુનાવણી થશે.

નવ ન્યાયમૂર્તિની સુપ્રીમ કોર્ટની ખંડપીઠમાં ઋષિકેશ રોય, અભય એસ. ઓકા, બી.વી. નાગરત્ના,  જે. બી. પારડીવાલા,  મનોજ મિશ્રા, ઉજ્જવલ ભુઇયાં, સતીશચંદ્ર શર્મા અને ઓગસ્ટીન જોર્જ સામેલ હતા.

આ નવ જજમાંથી એકમાત્ર બી.વી. નાગરત્નાએ  અલગ મત આપતાં કહ્યું હતું કે,  આવા અધિકારથી રાજ્યોમાં સ્પર્ધા વધશે.

કેન્દ્ર સરકારે  એવી દલીલ કરી હતી કે, જો  આવો અધિકાર રાજ્યોને અપાશે તો રાજ્યોમાં મોંઘવારી વધશે. ખાણ-ખનિજ ક્ષેત્રમાં સીધાં વિદેશી રોકાણમાં મુશ્કેલી સર્જાશે. ભારતીય ખનિજો મોંઘા થશે.

ખાણ-ખનિજ મંત્રાલયે  પણ જણાવ્યું હતું કે,  વીજળી, સ્ટીલ સિમેન્ટ, એલ્યુમિનિયમ વગેરે માટે કાચો માલ ખનિજોમાંથી જ મળે છે, એ જોતાં રાજ્યોને  રોયલ્ટી વસૂલવાનો  અધિકાર મળશે તો દેશમાં મોંઘવારી વધશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક