• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

કંડલાની કંપનીમાં ગેસ ગળતરથી પાંચ શ્રમિકનાં મૃત્યુથી અરેરાટી

કંપનીના ટાંકામાં સ્લજ કેમ નથી આવતું તે જોવા જનારા સુપરવાઇઝર પ્રથમ, બાદ અન્યોને પણ અસર : સાંજ સુધીમાં પરિવારોએ પાંચેયની લાશ સ્વીકારવાની ના પાડી

 

ગાંધીધામ, તા. 16 : કંડલા સ્થિત ઇમામી એગ્રોટેક લિમિટેડ નામની કંપનીમાં ગત મધરાતે ગેસ ગળતર થતાં સુપરવાઇઝર સિદ્ધાર્થ તિવારી તથા અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને બોઇલર ઓપરેટર સંજય ઠાકોર નામના યુવાનોના મોત થયા હતા. પાંચ મોતના પગલે ભારે હાહાકાર મચી ગયો હતો.

 કંપનીમાં થયેલી આ હોનારત બાદ પાંચેયની લાશ રામબાગ હોસ્પિટલમાં રાખવામાં આવી હતી, જે આજે સાંજ સુધી તેમના પરિવારજનોએ સ્વીકારી

ન હતી.

આ દુર્ઘટનાને પગલે ફરી એકવાર ઉદ્યોગોમાં કર્મચારીઓની સુરક્ષાનો ગંભીર મુદ્દો સપાટી પર આવ્યો છે. કંડલામાં આવેલી ઇમામી એગ્રોટેક નામની કંપનીમાં ગત રાત્રે 12 વાગ્યાના અરસામાં આ કાળજું કંપાવનાર બનાવ બન્યો હતો. આ કંપનીમાં હાલે પ્લાન્ટ બંધ છે. ચારેક ટેન્કમાં તેલની પ્રોસેસ થાય છે. બાદમાં જે કદડો (સ્લજ) નીકળે છે તે છેલ્લા ટાંકામાં જાય છે ત્યાં જમા થાય છે. અહીંથી આ સ્લજ કાઢી ભચાઉ બાજુની ફેક્ટરીમાં સળગાવવા માટે મોકલવામાં આવે છે.

સ્લજ ભરેલ આ ટાંકો સાફ કરવા કે તપાસ કરવા શ્રમિકોને મોકલાયા હોવાનું રામબાગ ખાતે એકત્ર થયેલા લોકોએ જણાવ્યું હતું, જેમાં ગેસ ગળતર થતાં પ્રથમ બેને અસર થઇ હતી જે જોઇને અન્ય સીડી વાટે નીચે જતાં તેમને અસર થઇ હતી. અંતે બોઇલર ઓપરેટર સંજય ત્યાં કોઇને ન જોઇ ટાંકામાં જોવા જતાં ચાર લોકોને અંદર જોઇને તે  અંદર જતાં તેને પણ અસર થઇ હતી, જેમાં આ પાંચેયના જીવ ગયા હોવાનું રામબાગ ખાતે આવેલા લોકોએ જણાવ્યું હતું.

બીજીતરફ, આ મૃતક પાંચ કર્મચારીઓ પૈકી અમુકની નોકરી સાંજે પૂર્ણ થઇ જતી હોવાનું તથા અમુકની નોકરી 24 કલાકની હોવાનું વર્તુળો પાસેથી જાણવા મળ્યું હતું.

આ અંગે કંડલા પી.આઇ. એ. એમ. વાડાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અન્ય ટાંકાઓમાંથી પાઇપ વાટે સ્લજ નીકળતો ન હોવાથી સુપરવાઇઝર સિદ્ધાર્થ તેની તપાસ કરવા ગયો હતો. તપાસ કરતાં કરતાં તે સીડી વાટે નીચે ટાંકામાં ઊતર્યો હતો, જેમાં તેને ગેસ ગળતર થતાં આ જોઇને અન્ય બે શ્રમિક પણ અંદર ગયા હતા, તેમને પણ ગેસ ગળતર નડયું હતું. બાદમાં બીજા બે લોકો જતાં તેમને પણ જીવ ખોવાનો વારો આવ્યો હતો.

આ પાંચેયને પ્રથમ આદિપુરની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી રામબાગ હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં આજે સાંજ સુધી પાંચેયની લાશ સ્વીકારવામાં આવી નહોતી. દરમ્યાન બપોરે અજમતના કુટુંબીજનો આવતાં ઉશ્કેરાટમાં આવી જઇ કંપનીના સંચાલકો સાથે બોલાચાલી થઇ હતી. આ યુવાનના ભાઇએ પોતાનું માથું વાહનોમાં પછાડતાં તે બેભાન બન્યો હતો. પરિસ્થિતિ જોઇને આદિપુર પોલીસને પણ રામબાગ હોસ્પિટલમાં બોલાવાઇ હતી. સાંજના ભાગે સંજય ઠાકોરના પરિવારજનો ત્યાં આવી પહોંચ્યા હતા. શરૂઆતમાં તેમણે પણ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આજે સમી સાંજ સુધીમાં આ પાંચેય શ્રમિકોની લાશ સ્વીકારાઇ ન હોવાનું જાણવા મળ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક