• સોમવાર, 30 ડિસેમ્બર, 2024

બીઝેડ ફાઇનાન્સ કૌભાંડ : સાત શખસની ધરપકડ

ફરાર સૂત્રધારે 100 કરોડથી વધુની 17 મિલકતો વસાવી હોવાનું ખુલ્યું

 

અમદાવાદ, તા. 20: બીઝેડ ફાઇનાન્સ કૌભાંડની તપાસમાં નવા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. સીઆઇડીક્રાઇમના એસપી  હિમાંશુ વર્માના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં આ કૌભાંડમાં સંડોવાયેલા કુલ 8માંથી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના બેંક ખાતાઓની તપાસમાં 360 કરોડ રૂપિયાના ટ્રાન્જેકશનના ખુલાસાઓ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ કૌભાંડ કેટલા મોટાપાયે ચાલતું હતું.

સીઆઇડી ક્રાઇમે કરેલ તપાસમાં આરોપીઓ ગેરકાયદેસર રીતે પૈસાની લેવડદેવડ કરવા માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરતા હતા. આ સિવાય, સીઆઇડી ક્રાઇમે હાલમાં આ કૌભાંડમાં મેળવેલી રકમને બેનામી સંપત્તિમાં રોકવામાં આવી હતી કે કેમ તેની તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં છેતરાયેલા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 100થી વધુ અરજદારોએ સીઆઇડી ક્રાઇમ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. આ અરજદારોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના લોકોનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે આ કૌભાંડ રાજ્યભરમાં

ફેલાયેલું છે.

સીઆઇડીક્રાઈમ દ્વારા (1) બીઝેડફાઇનાન્સિયલ સર્વિસ (2) બીઝેડઇન્ટરનેશનલ બ્રોકીંગ પ્રાયવેટ લિમીટેડ (3) બીઝેડપ્રોફીટ પ્લસ (4) બીઝેડમલ્ટી ટ્રેડઆમ કુલ 4 કંપનીઓને સને 2020 થી 2024 દરમ્યાન વ્યવહારો તપાસતા આ ચારેય(4) કંપનીઓના 16 બેંક ખાતાઓમા રોકાણકારોએ કુલ રૂ.360,72,65,524/- નું રોકાણ થયેલ હોવાની વિગત મળી આવેલ છે. આ ચારેય(4) બેન્ક ખાતાઓમાંથી નાણા અરસ-પરસ સરક્યુલર ટ્રાન્જેકશન થયેલ હોવાની પણ વિગતો મળી આવેલ છે.

આરોપી ભુપેન્દ્રાસિંહ ઝાલાએ રોકાણકારોનો વિશ્વાસ કરાવવા રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ ઉંચુ વળતર આપી રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરીને કરોડો રૂપિયાનું રોકાણ કરાવેલ હોવાના પુરાવા સી.આઈ.ડી.ક્રાઈમને મળી આવેલ છે. સી.આઈ.ડી.ક્રાઈમની તપાસ દરમ્યાન  આરોપી ભુપેન્દ્રાસિંહ ઝાલાની ફકત એક જ બ્રાંચમાંથી રોકડ વ્યવહાર ટ્રાન્જેક્શનની તપાસમા કુલ રૂપિયા 52 કરોડ રોકડા રોકાણકારોએ આપેલ હોવાનુ સામે આવ્યુ છે. આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ રોકાણકારોના નાણાંમાથી અલગ અલગ જગ્યાએ 17 જેટલી મિલકતો વસાવેલ છે, જે મિલકતોની બજાર કિંમત આશરે 100 કરોડથી વધુની થાય છે. જે મિલકતો સીઝ કરવામા આવેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીઝેડ કૌભાંડમાં સામેલ શિક્ષકો સામે શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

તપાસ એજન્સીઓ હાલમાં આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને શોધી રહી છે. આ ઉપરાંત, આ કૌભાંડમાં સંડોવાયેલા એજન્ટોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સીઆઇડીક્રાઇમ આ તમામ એજન્ટોની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે આ કૌભાંડના કારણે રાજ્યના ઓછામાં ઓછા 8 જિલ્લાઓના લોકોને નુકસાન થયું છે. સીઆઇડી ક્રાઇમ આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોને ઝડપી પાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત, છેતરાયેલા લોકોને તેમનું પૈસા પરત મળે તે માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક