• શનિવાર, 31 મે, 2025

રાજકોટમાં એક દી’માં કોરોનાના 6 કેસ !

સદ્ગુરુનગરમાં 6 મહિનાનું બાળક સંક્રમિત : જીવરાજ પાર્ક, મંગલ પાર્ક સહિતના વિસ્તારો

            તેમજ જિલ્લામાંથી પણ એક કેસ મળ્યો

ભાવનગરમાં બે, જામનગર અને જૂનાગઢમાં એક-એક કેસ નોંધાયો : રાજ્યમાં 190 દર્દી પોઝિટિવ

રાજકોટ, અમદાવાદ તા. 28: રાજ્યમાં કોરોના કેસો ધીરેધીરે બેવડી સદી તરફ આગળ વધી રહ્યાં છે, રાજકોટમાં પણ કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરમાં એક જ દિવસમાં 6 કેસ સામે આવતા અને તેમાં 6 માસનું એક બાળક પણ સંક્રમિત થતાં આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. આ ઉપરાંત ભાવનગરમાં કોરોનાના વધુ બે કેસ તેમજ જામનગર અને જૂનાગઢમાં એક-એક કેસ સામે આવ્યાં છે.

રાજકોટમાં નોંધાયેલા 6 કેસોમાં રામપાર્કમાં 25 વર્ષીય મહિલા, સદગુરુનગરમાં 6 માસનું બાળક તેમજ 32 વર્ષીય પુરુષ, બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં 26 વર્ષીય પુરુષ, જીવરાજ પાર્કમાં 67 વર્ષીય પુરુષ તેમજ મંગલ પાર્કમાં 26 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓ હાલ આઈસોલેશનમાં છે અને તેમની તબીયત સ્થિર છે. રાજકોટ જિલ્લામાં પણ એક કેસ પોઝીટીવ આવ્યો છે. આ સાથે જ શહેર-જિલ્લામાં કોરોનાના કુલ કેસ 11 થઈ ચૂક્યાં છે.

જામનગર : જામનગર જિલ્લામાં કોરોનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જામનગરમાં 10 એક્ટીવ પોઝીટીવ કેસ હતાં આજે વધુ એક દર્દી પોઝીટીવ આવ્યો છે. જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી નજીકની સોસાયટીમાં રહેતી 40 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટવ આવ્યો છે. રાજકોટથી જામનગર આવ્યાં બાદ તેને શરદી-ઉધરસ અને કફની અસર જણાતાં તેનું કોવિડ સેમ્પલ લેવામાં આવતાં તેનો રિપોર્ટ  પોઝીટીવ આવ્યો હતો તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.

ભાવનગર : ભાવનગર શહેરના વિજયનગર વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવાન અને વિદ્યાનગર વિસ્તારમાંથી 31 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બન્નેને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. ભાવનગરમાં હાલ કોરોનાના 4 કેસ એક્ટીવ છે.

જૂનાગઢ : જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા 60 વર્ષીય વૃદ્ધને કોરોનાના લક્ષણ જણાતા સેમ્પલ લેબોરેટરીમાં મોકલાતાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત શહેરના અન્ય 4 લોકોને કોરોનાના લક્ષણો દેખાતા તેમના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યાં હોવાનું કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.પ્રકાશ પાંડેએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં હાલ એક્ટીવ કેસ 131 થઈ ચૂક્યાં છે. આ ઉપરાંત ગાંધીનગર અને સુરત કોર્પોરેશનમાં 5-5, મહેસાણામાં 6, કચ્છમાં 3, બનાસકાંટઠામાં 2, ખેડામાં 2-2-, આણંદ, ભરૂચ, પાટણ અને વલસાડમાં 1-1 કેસ મળીને રાજ્યમાં કુલ 190 કેસ નોંધાયા છે. સુરતમાં એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર પણ સંક્રમિત થયાં છે જેઓ સિક્કીમથી સુરત આવ્યાં હતાં અને તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલ રાજ્યમાં 183 જેટલા દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક