• રવિવાર, 28 જૂન, 2026

પાકિસ્તાન-અફઘાનિસ્તાન ફરી સરહદે આમને-સામને

-પાકિસ્તાની સેનાએ ટેંકથી અફઘાન ચોકીઓને નિશાન બનાવી, તાલિબાને આપ્યો વળતો જવાબ

નવી દિલ્હી, તા. 29 : પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેનાઓ વચ્ચે ગુરૂવારે ફરી એક વખત તણાવ વધી ગયો હતો. બન્ને પક્ષે બરમાચા સીમા ક્ષેત્રમાં એકબીજા ઉપર જોરદાર ગોળીબાર કર્યો હતો. આ વિસ્તાર પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતને સમાંતર આવે છે. સ્થાનિક અધિકારીઓ અનુસાર બોર્ડરે નવી ચોકીઓ બનાવવાના કારણે વિવાદ થયો હતો. સવારે ગોળીબાર શરૂ થયો હતો અને બાદમાં અમુક સમય શાંતિ રહી હતી. જો કે બપોરે ફરીથી સ્થિતિ વણસી હતી.

પાકિસ્તાન સમય અનુસાર બપોરે 4.30 વાગ્યે ફરીથી ઘર્ષણ શરૂ થયું હતું. અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતના પ્રશાસનના અધિકારઓએ પણ ઘર્ષણની પુષ્ટિ કરી હતી. સુત્રો અનુસાર પાકિસ્તાની સેનાએ સરહદે ટેંક પણ તૈનાત કરી દીધી હતી અને અફઘાન સરહદે બનેલી ચોકીઓને નિશાન બનાવી હતી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને અફઘાન તાલિબાન કટ્ટર દુશ્મન છે અને બન્ને એકબીજાના સૈનિકોના ખાત્માની ઉજવણી કરે છે. અફઘાન તાલિબાન સમર્થક ટીટીપી પાકિસ્તાનમાં સૈન્ય ચોકીઓ ઉપર કબજો કરી રહ્યું છે. અંદાજીત પાંચ મહિના પહેલા ખૈબર પખ્તુન્ખ્વાના બાજૌરમાં આવેલી પાકિસ્તાની ચોકી ઉપર ટીટીપીએ પોતાનો ઝંડો ફરકાવ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક