રાજકોટ માત્ર સૌરાષ્ટ્રનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગ્રોથ એન્જિન છે, હું વિશ્વકર્મા છું પરંતુ રાજકોટની જે પ્રકારે ઓળખ ઉભી થઈ છે તેને જોતા લાગે છે કે, ખુદ ભગવાન વિશ્વકર્મા અહીં વસ્યાં છે
રાજકોટ તા.15 : ‘ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મારી પ્રેરણા અને મારી તાકાત છે, મારા જીવનની અંતિમ ક્ષણ સુધી મારું અમૂલ્ય ઘરેણું જો કોઈ હશે તો તે ભારતીય જનતા પાર્ટીનો ભગવા કાર્યકર્તા રહેશે’ તેવું આજરોજ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બન્યાં બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવેલા જગદીશ વિશ્વકર્માએ રેસકોર્સમાં આયોજિત એક વિશાળ જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું.
રાજકોટ શહેર-જિલ્લા અને મોરબી જિલ્લા ભાજપ દ્વારા રેસકોર્સ મેદાનમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ આયોજિત કરાયો હતો. હિરાસર એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચ્યાં બાદ 200થી વધુ કારો અને બાઈક રેલી સાથે ઢોલ-નગારાના નાદ સાથે જગદીશ વિશ્વકર્મા સભાસ્થળે સાંજે 7.10 વાગ્યા આસપાસ પહોચ્યાં હતાં.
પોતાના વકત્વ્યમાં વિશ્વકર્માએ સૌપ્રથમ ભાજપના કાર્યકર્તાઓને યાદ કર્યા હતાં તેઓએ જણાવ્યું હતું કે, કેટલાક મિત્રો મને કહે છે કે, શું પ્રદેશ અધ્યક્ષ બન્યાં પછી તમને અભિમાન નથી થતું ત્યારે હું તેમને કહુ છું કે, મને પદ, પ્રતિષ્ઠા અને ખુરશીનું નહીં પરંતુ મારી સાથે રાત-દિવસ, તડકો-છાયા જોયા વગર લાખો કાર્યકર્તાઓ છે એ વાતનું અભિમાન થાય છે જેના માટે હું મારી જાતને નસીબદાર માનું છું.
રાજકોટ વિષે તેઓએ જણાવ્યું હતું કે, હું પોતે વિશ્વકર્મા છું પરંતુ રાજકોટે જે પ્રકારે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, જાણે ભગવાન વિશ્વકર્મા આ શહેરમાં વસ્યાં છે. એન્જિનીયરીંગનું ડેવલપમેન્ટ જર્મનીમાં થાય છે પરંતુ ભારતમાં જો ક્યાંય થતું હોય તો તે રાજકોટમાં છે. ગમે તેવું મશીન કે ઓટાપાટર્સ બનાવવા હોય તે પ્રોડકટ રાજકોટને આપો તો બીજા દિવસે તમને મળી જાય છે. રાજકોટ માત્ર સૌરાષ્ટ્રનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગ્રોથ એન્જિન છે અને બળ પૂરું પાડનારું શહેર છે. તેઓએ ઉમેર્યુ હતું કે, રાજકોટને જે પ્રકારે વિકાસ થયો છે તે ક્યારેય વિચાર્યુ ન હતું. આજે આ શહેર પાસે ઈન્ટરનેશનલ એરપોર્ટ, અદ્યતન બસ સ્ટેન્ડ, રામવન, ગાંધી મ્યૂઝિયમ, લાઈટ હાઉસ, રિજીયોનલ સાયન્સ સેન્ટર અને 750 બેડની ગુજરાતની પ્રથમ એઈમ્સ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓની જીવન જીવવાની કલા અનોખી છે, આ શહેર બપોરે સુઈ જાય છે અને મોડી રાત્રે જાગે છે. રાજકોટવાસીઓ દરેક પર્વને ઉમંગ-ઉલ્લાસભેર ઉજવે છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 24 વર્ષ પૂર્વે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે સૌથી પહેલા શાસક તરીકે તેમને સૌથી વધુ મતોની લીડથી જીતાડનારા રાજકોટવાસીઓ હતાં. વ્યાપારી, ઈન્ડસ્ટ્રીઝ કે ખાણીપીણી હોય, તમામ ક્ષેત્રે રાજકોટ ઝળહળતું શહેર છે. રાજકોટવાસીઓ ચા ની સાથોસાથ છાપાના પણ બંધાણી છે એટલે જ આ શહેરમાં અનેક વર્તમાનપત્રો પ્રસિદ્ધ થાય છે.
કાર્યક્રમમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રાજકોટના સાંસદ પુરુષોતમ રૂપાલા, રામભાઈ મોકરિયા, વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ધારાસભ્યો ઉદય કાનગડ, દર્શિતા શાહ, મહેન્દ્રભાઈ પાડલિયા, ગીતાબા જાડેજા, રમેશભાઈ ટીલાળા, પરબવાવા મંહત કરસનદાસ બાપુ, ઘાટવડના ઈન્દ્રભારતી બાપુ, તોરણિયાના રાજેન્દ્રદાસ બાપૂ, સતાધારના વિજયબાપૂ, રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના અપૂર્વ મુનિ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
સૌરાષ્ટ્ર-રાજકોટના પાયાના પથ્થર અનેક નેતાઓને ભાજપ પ્રદેશ પ્રમુખે યાદ કર્યા
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સૌરાષ્ટ્ર અને રાજકોટના પાયાના પથ્થર સમાન અનેક નેતાઓને પોતાના વકતવ્યમાં યાદ કર્યા હતાં. જનસંઘના વખતમાં ચીમનભાઈ શુક્લએ અને સુર્યકાંતભાઈ આચાર્યની જોડીએ જે ગુંડા વિરોધી અભિયાન ચલાવ્યું હતું તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત 26 વર્ષ સુધી પ્રમુખપદે રહેનારા કાંતિભાઈ વૈદ્ય, અરવિંદભાઈ મણિયાર, નારસીહભાઈ પઢિયાર, હેમાબેન આચાર્ય, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, ખેડૂતનેતા વિઠ્ઠલભાઈ રાદડિયા, વિજયભાઈ રૂપાણીની ચેતનાને પણ વંદન કર્યા હતાં. રાજકોટના પ્રજાવત્સલ રાજવી લાખાજીરાજ બાપુ અને પૂર્વ રાષ્ટ્રપતિ મિસાઈલ મેન અબ્દુલ કલામને પણ યાદ કર્યા હતાં.
‘કોંગ્રેસના કાર્યકાળમાં પાણીના ધાંધિયા હતાં, મોદીએ નેવાના પાણી મોભે ચડાવ્યાં’
કોંગ્રેસને આડે હાથ લેતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, 2003 જ્યારે વાયબ્રન્ટ ગુજરાત લોન્ચ થયું ત્યારે વિપક્ષના સભ્યો તેની મજાક ઉડાવતા હતાં આજે દેશના તમામ રાજ્યોમાં નામ ભલે બદલાયું હોય પરંતુ લોકોએ વાયબ્રન્ટ
મોડેલને સ્વીકાર્યા છે. કોંગ્રેસના વખતમાં સૌરાષ્ટ્રમાં પાણીના ધાંધિયા હતાં, વડાપ્રધાન મોદીએ નેવાના પાણી મોભે ચડાવીને સૌની યોજના થકી સૌરાષ્ટ્રના દરેક ગામ સુધી પાણી પહોચાડયાં છે. સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં કોંગ્રેસે દાયકાઓ લગાડયાં, પ્રધાનમંત્રી બનતાની સાથે જ નરેન્દ્રભાઈએ 17 દિવસમાં તેની મંજૂરી આપી હતી.