આગામી બે દિવસ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવાની સૂચના : સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ વધશે
અમદાવાદ, તા.15: ગુજરાત રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે, કારણ કે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે. આ વિસ્તરણ દિવાળી પહેલા થઇ જાય તેવી પ્રબળ શક્યતાઓ ઉભી થઇ રહી છે. આગામી બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. સંભવત: 17 ઓક્ટોબરને શુક્રવારે મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારંભ યોજવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આવતીકાલે ભાજપના કેન્દ્રિય નિરિક્ષકો સામે પડતા મુકાનારા મંત્રીઓના રાજીનામા લઇ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે.હાલ કૃષિ મહોત્સવમાં સહભાગી બનેલા મંત્રીઓને ગાંધીનગર પરત ફરવા જણાવી દેવાયું છે. જોકે, વિસ્તરણ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દરમિયાન મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે કુરુક્ષેત્રના પ્રવાસે રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાનો પ્રવાસ ટુંકાવી આવતીકાલે ગુજરાત પરત ફરે તેવી શક્યતા છે.
મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સહિતના નેતાઓની કેન્દ્રીય નેતૃત્વ સાથેની મેરેથોન બેઠક બાદ આ અંગેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. સૂત્રો અનુસાર, ગુજરાત સરકારના મંત્રી મંડળનીસંખ્યા 16થી વધી 21 પ્લસ રહી શકે છે, વર્તમાનના 16માંથી 9થી વધુ મંત્રીઓને પડતા મૂકાઈ શકે છે. મંત્રી મંડળમાં 14થી વધુ નવા ચહેરા આવી શકે છે જેમાં 4 લેઉવા અને 2 કડવા પટેલને મળી શકે સ્થાન તો 2 એસટી,2 એસસી ચહેરાનો થઈ શકે છે સમાવેશ. તેમજ 4 ઠાકોર-કોળી, 1 બ્રાહ્મણ, 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મળી શકે છે સ્થાન. કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી અને મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી બની શકે છે, દ.ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે. સ્વર્ણિમ સંકુલ 1-2માં 12 ચેમ્બરો ખાલી કરવામાં આવી છે, સ્વર્ણિમ સંકુલ-1માં પહેલા માળે 3 ચેમ્બરો ખાલી કરાઈ છે એમ કુલ મળીને સ્વર્ણિમ સંકુલ-2માં 7 ચેમ્બર ખાલી કરવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ-2 કુલ 29 મંત્રીને બેસવાની ક્ષમતા છે અને નિયમ પ્રમાણે વધુમાં વધુ 27 મંત્રી બનાવી શકાય છે.