વરસાદ-વાદળિયા હવામાન વચ્ચે કપાસ-મગફળી સહિતની જણસીની અપેક્ષિત આવક ન થઇ
(ફૂલછાબ
ન્યૂઝ)
રાજકોટ,
તા.27 : નવા વિક્રમ સંવતમાં મુહૂર્ત સાથે ફરીથી કામકાજનો આરંભ થઇ ચૂક્યો છે. વિવિધ
બજારો ખૂલી ગઇ છે. માર્કેટિંગ યાર્ડમાં પણ હરાજીનો આરંભ કરવામાં આવ્યો છે. અલબત્ત વરસાદી
માહોલ વચ્ચે અપેક્ષા કરતા થોડી વધારે આવક મગફળી, કપાસ, કઠોળ અને વિવિધ અનાજની થઇ હતી.
વરસાદનું જોર વધતું જતું હોવાથી અનેક યાર્ડમાં આવતીકાલથી હરાજી પુન: બંધ કરવામાં આવી
છે. સૌરાષ્ટ્રભરમાં કપાસ અને મગફળીની મોસમ દિવાળી પૂર્વે જામી હતી. લાભપાંચમે રવિવાર
હતો એટલે સોમવારે ઠેરઠેર મુહૂર્તના કામકાજ થયા હતા. યાર્ડમાં આશરે દોઢ લાખ મણ કપાસની
આવક થઇ હતી. મગફળીની આવક પોણા બે લાખ ગુણી સુધી પહોંચી ગઇ હતી.એક સપ્તાહની રજા પછી
અનેક ખેડૂતો માલ લઇને આવ્યા હતા. કપાસનો ભાવ યાર્ડમાં રૂ.1200-1580 સુધી હતો. ધોરાજીમાં
રૂ. 1866 સુધી ઉંચો ભાવ બોલાયો હતો. હવે ધીરે ધીરે જીનીંગ મિલો શરૂ થઇ રહી છે એટલે
કપાસનો ઉઠાવ વધશે. આમ પણ વરસાદી માહોલને લીધે કપાસમાં બગાડ પણ ઘણો છે એટલે કપાસનો ભાવ
હવે જંગી આવક સિવાય ઘટવો મુશ્કેલ બન્યો છે. સીસીઆઇની ખરીદી પણ હવે ટૂંક સમયમાં શરૂ
થવાની છે.
મગફળીમાં
પણ જંગી આવક થઇ હતી. જોકે ભાવ ટેકા કરતા નીચાં હોવાથી ખેડૂતોમાં કચવાટ છે. યાર્ડમાં
મગફળી રૂ. 800-1200ની વચ્ચે વેચાય છે. સરકારે 1 નવેમ્બરથી ટેકાના ભાવની ખરીદી કરવાની
જાહેરાત કરી છે. જોકે જથ્થો અને નોંધાયેલા ખેડૂતોની સંખ્યા જેટલી જાહેર થઇ છે તે પ્રમાણે
માત્ર 81 મણ મગફળી ખરીદાય તેમ છે એટલે ખેડૂતો નિરાશ છે. રાજકોટ યાર્ડમાં નવા મરચાંના
શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. મુહૂર્તમાં રૂ. 3100 પ્રતિ મણમાં સોદા થયા હતા.
દરમિયાન
તળાજા માર્કેટ યાર્ડમાં સોમવારે સોદા થયા હતા. ખેડૂતોને મગફળીના ઉંચા ભાવ મળ્યા હતા.
રાત્રે બે ઇંચ વરસાદ પછી પણ મગફળીની 900 ગુણી આવી હતી. એ સિવાય ઘઉં, બાજરી, જુવાર,
અડદ અને સોયાબીન તથા કપાસ પણ આવ્યા હતા.
મોરબી,
વાંકાનેર અને હળવદ યાર્ડમાં હરાજીનો ધમધમાટ
ફરીથી શરૂ થયો હતો. મોરબીમાં 3700 ક્વિન્ટલ કપાસ આવ્યો હતો. હળવદ અને વાંકાનેરમાં પણ
પુષ્કળ આવક હતી.
ગોંડલ
માર્કેટ યાર્ડ આઠ દિવસની રજા પછી શરૂ થતા મગફળીની આશરે 50 હજાર ગુણી આવી હતી. મગફળીનો ભાવ રૂ. 900-1221 હતો.ગોંડલમાં સોયાબીનની
આવક આશરે 25 હજાર કટ્ટાની થઇ હતી અને ભાવ રૂ. 800-880 હતા.
બોટાદ
યાર્ડમાં છેલ્લા 8 દિવસથી બંધ રહેલી હરરાજી સોમવારે ફરી શરૂ થતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા
મળ્યો હતો. સવારે વહેલી સવારે જ ખેડૂતો પોતાના ટ્રેક્ટર-ટ્રોલી તથા વાહનોમાં જણસી લઈને
માર્કેટ યાર્ડે પહોંચ્યા હતા. આશરે 400થી વધુ વાહનોની કતારોથી આખું યાર્ડ ખચાખચ ભરાઈ
ગયું હતું. ગત કેટલાક દિવસોથી હરરાજી બંધ રહેતા ખેડૂતોને પાક વેચાણમાં મુશ્કેલી પડી
રહી હતી. જેને કારણે ઘણા ખેડૂતોના માલમાં ભેજ વધ્યો હતો.