• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 3નાં મૃત્યુ કાર-બસ વચ્ચે અકસ્માત બાદ પાછળથી આવેલા ટ્રકે બસને ટક્કર મારી

અમદાવાદ, તા.27: અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર અમદાવાદ જિલ્લાના કણભા નજીક આજે વહેલી સવારે ગમખ્વાર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે તેમજ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતની શરૂઆત કાર અને એક લક્ઝરી બસ વચ્ચે ટક્કર થવાથી થઈ હતી. પહેલાં અકસ્માત બાદ બંને વાહનોના ડ્રાઇવરો રસ્તા પર ઊતરીને સમાધાનની વાત કરી રહ્યા હતા. આ સમયે લક્ઝરી બસમાંથી પણ કેટલાક મુસાફરો નીચે ઊતર્યા હતા. તે જ સમયે પાછળથી અચાનક ધસી આવેલી અન્ય એક ટ્રક રોડ પર ઊભેલા આ મુસાફરો પર ફરી વળી હતી. આ ગંભીર દુર્ઘટનામાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કોઠ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રક અકસ્માત બાદ 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની એલ.જી. હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ ગ્રામ્ય એસ.પી. ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે હાઈવે પર પટેલ ટ્રાવેલ્સની બસ અને કિયા કારના ચાલક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થતા બસ ચાલક અને કિયા કારના ચાલક રસ્તા પર ઊભા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે બસને ટક્કર મારી હતી. બસને ટક્કર વાગતા પાછળની સીટમાં બેઠેલા 3 મુસાફરોના મૃત્યુ થયા છે. કેટલાક ઇજાગ્રસ્ત છે જે સારવાર હેઠળ છે.

મૃતકની યાદી

કલ્પેશભાઈ મોહનભાઈ પટેલ (ઉંમર 45)

કોમલબેન કલ્પેશભાઈ પટેલ (ઉંમર 42)

અદિતિ કૃણાલભાઈ જાની (ઉંમર 17)

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક