• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

ગુજરાત જેમ જ કેરળમાં જીતશું : મોદી

તિરુવનંતપુરમની જનસભામાં 1987માં અમદાવાદમાં મળેલી જીતનો ઉલ્લેખ કર્યો

ત્રણ નવી અમૃત ભારત ટ્રેનોને લીલીઝંડી આપતા વડાપ્રધાન

તિરુવનંતપુરમ્, તા. 23 : કેરળ પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ભાજપે જે રીતે અમદાવાદ પછી ગુજરાત જીત્યું એ જ રીતે તિરુવનંતપુરમ્માંથી કેરળ પણ જીતી લેવાનો વિશ્વાસ છે.

વડાપ્રધાને કેરળની રાજધાનીમાં આજે વધુ ત્રણ નવી અમૃત ભારત સહિત ચાર ટ્રેનને લીલીઝંડી આપી હતી.

નવી ટ્રેન સુવિધાઓથી દક્ષિણ ભારતના રાજ્યો વચ્ચે મજબૂત સેતુ રચાશે. ખાસ કરીને કેરળ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે યાત્રા સરળ બનશે.

તિરુવનંતપુરમ્માં 55 મિનિટ સુધી ભાષણમાં વડાપ્રધાને કહ્યું હતું કે, કેરળમાં ભાજપ સરકારનો પાયો પડી ગયો છે.

ડાબેરી ઇકો સિસ્ટમને મારી વાત ગળે નહીં ઊતરે, પરંતુ હું આપને તર્ક અને તથ્ય સાથે કહીશ. 1987થી પહેલાં ભાજપ હાંસિયામાં રહેલો પક્ષ હતો.

કેસરિયા પક્ષે 1987માં પહેલીવાર અમદાવાદ નગર નિગમમાં જીત મેળવી એ જ રીતે આજે ભાજપે તિરુવનંતપુરમ્માં વિજય મેળવ્યો છે, તેવું મોદીએ જણાવ્યું હતું.

ભાજપે 1995માં પૂર્ણ બહુમત સાથે ગુજરાતમાં સરકાર રચી  ત્યારથી સરિયામ સત્તામાં છે, તેવું વડાપ્રધાન બોલ્યા હતા.

પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, એનડીએની સરકાર કનેક્ટિવિટી, વિજ્ઞાન અને ઇનોવેશન તેમજ હેલ્થકેરમાં મહત્ત્વપૂર્ણ રોકાણ કરી રહી છે. કેરળમાં સીએસઆઇઆર ઇનોવેશન હબનાં ઉદ્ઘાટન સાથે મેડિકલ કોલેજમાં રેડિયો સર્જરી સેનટરની શરૂઆત કેરળને વિજ્ઞાન, ઇનોવેશન અને હેલ્થકેર માટે મહત્ત્વપૂર્ણ પ્રમુખ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, દશકોથી એલડીએફ અને યુડીએફ બન્નેએ તિરુવનંતપુરમની ઉપેક્ષા કરી છે. જેનાથી શહેરને પાયાની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી શક્યું નથી. લેફ્ટ અને કોંગ્રેસ જનતાની જરૂરિયાત પૂરી કરવામાં સતત નિષ્ફળ રહ્યા છે. જો કે ભાજપે એક વિકસીત તિરુવનંતપુરમની દિશામાં કામ કરવાની શરૂઆત કરી દીધી છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક