મંગળવારે જાહેર કરવામાં આવેલા ફેક્ટશીટમાં
રાતોરાત સુધારો : 500 અબજ ડોલરની ખરીદી માટે ભારતની પ્રતિબદ્ધતાને બદલે હવે ઈરાદો શબ્દ
વપરાયો
નવીદિલ્હી,
તા.11 : ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી ઉપર સહમતી બન્યા બાદ અમેરિકાએ મંગળવારે
એક ફેક્ટ શીટ એટલે કે તથ્યપત્ર જારી કરીને સમજૂતીની પ્રમુખ શરતો જાહેર કરેલી. જો કે
હવે તેના એક જ દિવસમાં વ્હાઇટ હાઉસે પલટી મારી લીધી છે. જેમાં મુખ્ય શરતોમાં ચૂપચાપ
કેટલાક બદલાવો કરી નાખવામાં આવ્યા છે. જો કે આમાં ખાસ વાત એ પણ છે કે, શરતોમાં લખવામાં
આવેલી કેટલીક બાબતો ભારતનાં હિતમાં છે.
ફેક્ટશીટ
જાહેર કરાયાનાં એક દિવસ પછી અમેરિકાએ તેનાં કેટલાંક બિંદુઓમાં બદલાવ કર્યો છે. આવી
જ રીતે શબ્દોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સૌથી મહત્ત્વનો હિસ્સો અમેરિકાથી
500
અબજ ડોલરનાં ઉત્પાદનો ખરીદવા માટે ભારતની પ્રતિબદ્ધતાને હવે બદલીને ભારતનો ઈરાદો કરી
નાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત
વ્હાઇટ હાઉસે અન્ય એક મહત્ત્વનો બદલાવ દાળનો ઉલ્લેખ હટાવીને કર્યો છે. જારી કરવામાં
આવેલા સુધારેલી શરતોમાં ભારત જેનાં ઉપર ટેરિફ સમાપ્ત અથવા તો શૂન્ય કરશે તેમાંથી દાળનો
ઉલ્લેખ હટાવી નાખવામાં આવ્યો છે. આવી જ રીતે ફેક્ટ શીટની ઉત્પાદન શ્રેણીમાંથી કૃષિ
શબ્દ પણ હટાવી લેવામાં આવ્યો છે.
અન્ય
એક મોટા ફેરફારમાં ડિજીટલ સર્વિસ ટેક્સનો સમાવેશ થાય છે. અગાઉ જાહેર થયેલી ફેક્ટશીટમાં
લખવામાં આવેલું કે, ભારત પોતાનાં ડિજીટલ સર્વિસ ટેક્સને હટાવી લેશે અને ડિજીટલ ટ્રેડમાં
ભેદભાવવાળી પ્રક્રિયા અને અન્ય અવરોધો દૂર કર તેવાં દ્વિપક્ષીય ડિજીટલ ટ્રેડ નિયમો
ઉપર વાતચીત માટે પ્રતિબદ્ધ છે. જો કે નવી ફેક્ટશીટમાં લખવામાં નથી આવ્યું કે, ભારત
પોતાનો ડિજીટલ સર્વિસ ટેક્સ હટાવશે. આમાં ભારતે મજબૂત દ્વિપક્ષીય ડિજીટલ ટ્રેડ માટે
નિયમો ઉપર ચર્ચા-વિચારણા કરવાનું વચન આપ્યું હોવાનું લખવામાં આવ્યું છે.
અમેરિકાની
ગુલાટ : અખંડ ભારતનો નક્શો હટાવી લીધો
પીઓઁકે
અને અક્સાઈ ચીનને ભારતનો અભિન્ન હિસ્સો દેખાડતા નક્શાવાળી સોશિયલ મીડિયા પોસ્ટ જ હટાવી
નવીદિલ્હી,
તા.11: ભારત અને અમેરિકા તાજેતરમાં વચગાળાના વેપાર કરાર પર સંમત થયા પછી અમેરિકાએ અખંડ
ભારતનો નક્શો જાહેર કરીને બધાને અચંબિત કરી દીધા હતા. જો કે, આ નક્શામાં અમેરિકાએ વિવાદિત
ભાગોને બદલે પીઓકે અને અક્સાઈ ચીનને ભારતના અભિન્ન અંગ તરીકે દર્શાવ્યું હતું, જે અત્યાર
સુધી અમેરિકાનાં વલણ સાથે મેળ ખાતું ન હતું. આ નક્શાને લઈને ઘણી ચર્ચા પણ થઈ હતી. જોકે,
હવે અમેરિકાએ ફરી એકવાર આમાં ફેરવી તોળ્યું છે અને યુ-ટર્ન લઈને ભારતનો એ નક્શો જ હટાવી
દીધો છે. અગાઉ, યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ
(યુએસટીઆર)નાં કાર્યાલયે 7 ફેબ્રુઆરીએ એક પોસ્ટ શેર કરી હતી. એક્સ પર શેર કરવામાં આવેલા ભારતના નક્શામાં પીઓકે
અને અક્સાઈ ચીનને વિવાદિત વિસ્તારો તરીકે ચિહ્નિત કરવાને બદલે ભારતના ભાગ તરીકે દર્શાવવામાં
આવ્યા હતા. વેપાર કરાર પર દ્વિપક્ષીય વચગાળાના માળખા કરારની જાહેરાત પછી તરત જ નક્શો
શેર કરવામાં આવ્યો હતો. ઘણા જાણકારોનું માનવું હતું કે, પાકિસ્તાન અને ચીન બન્ને સાથે
અમેરિકાના બગડતા સંબંધો વચ્ચે આ પગલું ભારત માટે ઇરાદાપૂર્વકનું રાજદ્વારી સંકેત હતું
પરંતુ કેટલાક કહે છે કે તે ભૂલ હતી. અમેરિકાએ હંમેશાં કહ્યું છે કે પીઓકે અને અક્સાઈ
ચીન વિવાદિત પ્રદેશ છે. આવી સ્થિતિમાં અચાનક આવો નક્શો શેર કરવાનું પણ ભૂલ તરીકે જોવામાં
આવ્યું હતું. હવે આ ચર્ચાનો અંત લાવતા યુએસટીઆરએ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટમાંથી આ
પોસ્ટને જ હટાવી દીધી છે.