• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

નામીબિયા સામે ભારતને ખતરો નહીં, પણ ટીમ સંયોજન પર ગડમથલ

સંજૂ સેમસન, જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવ પ્લેઇંગ ઈલેવનમાં સામેલ થઇ શકે છે

નવી દિલ્હી તા.11: વર્તમાન ચેમ્પિયન ભારતને અહીં ગુરૂવારે રમાનાર ટી-20 વિશ્વ કપના ગ્રુપ મેચમાં નામીબિયા વિરૂધ્ધ કોઇ ખતરો નથી, પણ ઓપનિંગ બેટર અભિષેક શર્માની નાદુરસ્ત તબિયતને લીધે કોચ ગૌતમ ગંભીરની ચિંતા વધી છે. પેટના સંક્રમણને લીધે અભિષેકને હોસ્પિટલમાં દાખલ કરવો પડયો છે. આથી તે નામીબિયા સામેનો મેચ લગભગ ગુમાવશે. અમેરિકા સામેના પહેલા મેચમાં વાનખેડે સ્ટેડિયમની થોડી સ્લો પિચ પર એપક્ષિત દેખાવ ન કરી શકનાર ટીમ ઇન્ડિયા અહીંના ફિરોઝ શાહ કોટલા મેદાનની પિચ પર આક્રમક દેખાવ કરવા માંગશે.

નામીબિયા સામે ભારતનું પલડું ઘણું ભારે છે. અભિષેક શર્માના સ્થાને સંજૂ સેમસનને તક મળશે. જયારે જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવની ઇલેવનમાં વાપસી થશે. આ માટે કોઇ બે બોલરને રેસ્ટ મળી શકે છે.

નામીબિયાના બોલર્સ સામે ભારતની મજબૂત બેટિંગ લાઇનઅપ પર અંકુશ મુકવો સૌથી મોટો પડકાર બની રહેશે. તેના ટોચના 6 બેટધરમાંથી ફકત ઓલરાઉન્ડર જેજે સ્મિટની સ્ટ્રાઇક રેટ 140 આસપાસ છે. જો કે તેનું પણ ભારતની બોલિંગ લાઇન અપ સામે ક્રિઝ પર ટકી રહેવું કઠિન છે. વોર્મઅપ મેચમાં ભારત એ ટીમ સામે પણ નામીબિયા 100 રનની અંદર આઉટ થઇ હતી. બન્ને ટીમ વચ્ચે ફકત એક ટી-20 મેચ રમાયો છે. જે 2021ના વર્લ્ડ કપનો મેચ હતો. જેમાં ભારતે 1પ.2 ઓવરમાં 133 રનનું લક્ષ્ય હાંસલ કરી 9 વિકેટે સરળ જીત મેળવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક