• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

તમે દેશને વેચી દીધો : રાહુલ ગાંધીનો ધગધગતો હુમલો

બજેટની ચર્ચામાં લોકસભામાં સંબોધન : ટ્રેડ ડીલથી લઈને એપસ્ટીન ફાઈલ્સ, ટ્રમ્પની દાદાગીરીથી લઈને અમેરિકાનાં દબદબા સહિતનાં મુદ્દે સરકારને ઘેરી

નવી દિલ્હી, તા.11: લોકસભામાં આજે સામાન્ય કેન્દ્રીય બજેટ-2026ની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ આક્રમક તેવર બતાવ્યા હતાં અને આજનાં સમય માટે આ બજેટને અપૂરતું લેખાવ્યું હતું. આ સાથે જ અમેરિકા સાથે વેપાર સંધિથી લઈને વધતાં અમેરિકાનાં દબદબા મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર હુમલાનો મારો ચલાવી દીધો હતો. જેમાં રાહુલ ગાંધીએ એપસ્ટીન (જુઓ પાનું 10)

ફાઈલ્સથી લઈને અમેરિકાની દાદાગીરી મુદ્દે સરકારને ઘેરી હતી અને સરકારે દેશને વેંચી દીધાનો ધગધગતો આરોપ લગાવ્યો હતો.

અમેરિકા સાથેની વેપાર સમજૂતી મુદ્દે સરકાર ઉપર આક્રમણ ચલાવતા રાહુલે કહ્યું હતું કે, તમે દેશને વેંચી નાખ્યો છે. શું તમને ભારત વેંચી નાખતા શરમ નથી આવતી? તમે આપણી મા, ભારત માતાને વેંચી છે. મને ખ્યાલ છે કે, સાધારણ સંજોગોમાં પ્રધાનમંત્રી ભારતને વેંચે નહી પણ તમને ખબર છે તેમણે દેશને શા માટે વેંચ્યો? કારણ કે એ લોકો તેમનું ગળું ઘોંટી રહ્યાં છે. તેમણે ગરદન પકડી રાખી છે. આપણે વડાપ્રધાનની આંખમાં ડર જોઈ શકીએ છીએ. આ વાતો એપસ્ટીનની ફાઈલોમાં હજી પણ બંધ છે.

રાહુલે પોતાનાં સંબોધનમાં આગળ કહ્યું હતું કે, તમે એક ટ્રેડ ડીલ કરી છે જે ભારતને 21મી સદીમાં બદલવાની છે. જે ચીજ આપણને સુપરપાવર બનાવવાની છે. મોદી સરકારે આપણાં ડેટા સાથે શું કર્યું? આપણે ડિજીટલ ટ્રેડનાં નિયમો ઉપરથી નિયંત્રણ છોડી રહ્યાં છીએ. આવી જ રીતે ડેટાનાં લોકલાઈઝેશનની પણ કોઈ જરૂર નથી અને આ સીવાય અમેરિકામાં મુક્ત રીતે આપણો ડેટા વહેશે. ડિજીટલ ટેક્સ ઉપર પણ મર્યાદા. કોઈને સોર્સ કોડ જણાવવાની આવશ્યકતા પણ નહીં. નાણા મંત્રી હંસી રહ્યાં છે અને મોટી ટેક કંપનીઓને 20 વર્ષ માટે ફ્રી ટેક્સ હોલીડે અપાય છે. ડેટા સાથે પણ આવું કરી નાખવામાં આવ્યું છે.

તેમણે આગળ કહ્યું હતું કે, જો ઈન્ડિયા ગઠબંધન ટ્રેડ ડીલ માટે અમેરિકા સાથે વાટાઘાત કરતુ

ં હોત તો અમે ટ્રમ્પને કહ્યું હોત તે આ સમીકરણમાં સૌથી મહત્વની ચીજ ભારતીય ડેટા છે. તમે ડોલર બચાવવા માગો છો અને અમે તેમાં અમે તમારી મદદ પણ કરવા માગીએ છીએ. જેનાં માટે સૌથી મોટું શત્ર ભારતીય લોકો પાસે છે અને તે છે ડેટા. એટલે વાટાઘાટમાં અને સંધિમાં સમાન શરતો રાખવી પડશે. રાહુલે આગળ કહ્યું કે, આપણાં શક્તિશાળી કાપડ ઉદ્યોગ ઉપર 18 ટકા ટેરિફ લાગી રહ્યો છે. જેની સામે બાંગ્લાદેશને શૂન્ય ટેરિફ લાગશે. એટલે કે, આપણો કપડાં ઉદ્યોગ તો ગયો. આવી જ રીતે અમેરિકા ફેંસલો કરે છે કે આપણે કોની પાસેથી ઓઈલ ખરીદવું. આપણાં પ્રધાનમંત્રી નિર્ણય નથી કરતાં. અગાઉ અમેરિકા 3 ટકા ટેરિફ લગાવતું હતું અને તે 18 ટકા લાગવાનાં છે. અમેરિકાથી આપણી આયાત પણ 46 અબજ ડોલરથી વધીને 146 અબજ ડોલર થવાની છે. તેની સામે અમેરિકાએ આવી કોઈ પ્રતિબદ્ધતા દેખાડી નથી.

આપણાં કિસાનોને કચડીને અમેરિકાનાં કૃષિ ઉદ્યોગ માટે ભારતનાં દરવાજા ખોલી નાખવામાં આવ્યા. એટલે કે, આપણે એક આંધીનો સામનો કરવાનો છે. અમેરિકાએ ઊર્જા અને નાણાને પોતાનાં શત્ર બનાવી લીધા છે. આવી ટ્રેડ ડીલનાં વખાણ કેવી રીતે તમે કરી શકો છો? શરમ નથી આવતી? રાહુલે આગળ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભારતનાં કોઈપણ વડાપ્રધાન આવી ટ્રેડ ડીલ કરે તેવું હું નથી માનતો. આવું તો જ કરવામાં આવે જો કોઈ સકંજો હોય. આ સંપૂર્ણ પણે સરંડર, સમર્પણ છે. આ એક આફત છે કારણ કે તેમાં માત્ર પ્રધાનમંત્રી નહીં 1.5 અબજ ભારતીયોનું સરંડર છે.

રાહુલે આગળ કહ્યું કે, દુનિયામાં ભૂરાજકીય ટકરાવ વધી રહ્યો છે અને તેમાં અમેરિકાનાં દબદબાને ચીન, રશિયા સહિતની અન્ય તાકાતો પડકારી રહી છે. બીજું આપણે ઊર્જા અને નાણાકીય શત્રોની દુનિયામાં વસી રહ્યાં છીએ. આપણે સ્થિરતા નહીં બલ્કે અસ્થિરતાની દુનિયામાં જીવી રહ્યાં છીએ. મારા આરોપોની ખરાઈ કરવા માટેનાં કાગળ મારી પાસે છે અને પેશ પણ કરી શકું પરંતુ મને આવું કરવા દેવાતું નથી. ભારતને વેંચી દેવામાં આવ્યો છે. કિસાનોનાં હિતને વેંચી નાખવામાં આવ્યું છે. આપણો ડેટા, સોફ્ટવેર એન્જીનિયરો, કારોબારીઓ અને સુરક્ષાદળો અને ઊર્જાનાં હિતોને વેંચી નાખવામાં આવ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક