• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

ભવનાથ તળેટી શિવમય, મિનિ કુંભ મેળાનો ડમરુના નાદે પ્રારંભ

પ્રથમ દિવસે જ રવેડી જેવો માહોલ : નાયબ મુખ્યમંત્રી સાથે સાધુ-સંતો ભવનાથ પહોંચ્યા, ભવ્ય ડમરુ યાત્રા યોજાઇ

            ભવનાથ મહાદેવના શિખર પર 55 કિલોના મજબૂત ધજા દંડ પર ધર્મની ધજા ચડાવાઇ, હર હર મહાદેવ અને જય ગિરનારી

            નાદ સાથે તળેટીમાં ભક્તિમય વાતાવરણ

જૂનાગઢ, રાજકોટ, તા.11: જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં દર વર્ષે પરંપરાગત રીતે ઊજવાતો મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે મિનિ કુંભ તરીકે આસ્થાભેર શરૂ થયો છે. આજે સવારે સાધુ-સંતો, મહંતો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવના શિખર પર 55 કિલોના મજબૂત ધજા દંડ પર ધર્મની ધજા ચડાવવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચના બાદ હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે આજથી વિધિવત્ રીતે પાંચ દિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાના પહેલા દિવસે જ ભવનાથ ખાતે રવેડી જેવો ભવ્ય માહોલ જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સાધુ-સંતો સાથે ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ભવ્ય ડમરુ યાત્રામાં ભાગ લીધો હતો. સાધુ-સંતોની ભવ્ય ટોળી, ડમરુના તાલે નાચતા ભક્તો અને ભક્તિમય વાતાવરણે પહેલા દિવસથી જ મિનિ કુંભ જેવી શોભા ધારણ કરી લીધી હતી. મેળાના પ્રારંભે જ ભવનાથ તળેટીમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડયું હતું. આ પ્રસંગે આહિર અને મહેર સમાજની મહિલાઓ તેમજ પુરુષોએ પોતાના પરંપરાગત પોશાકમાં સજ્જથઈને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી અને કલાકારોનું ભવ્ય સ્વાગત કર્યું હતું, જેનાથી મેળામાં લોકસંસ્કૃતિના અનોખા દર્શન થયા હતા.

મેળાના સત્તાવાર પ્રારંભના એક દિવસ પહેલા જ આજે જૂનાગઢવાસીઓએ મેળાની જમાવટ કરી દીધી હતી. આવતીકાલથી ભવનાથ ક્ષેત્રમાં વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી, હજારો સ્થાનિકો આજે જ પોતાના ખાનગી વાહનો લઈને પરિવાર સાથે ભવનાથ તળેટીમાં ઉમટી પડયા હતા. ત્યારે જૂનાગઢ તંત્ર દ્વારા મિનિ કુંભ શિવરાત્રી મેળામાં ગિરનાર દરવાજાથી લઈ ભવનાથ ક્ષેત્ર સુધીમાં દિવાલ પર મહાદેવના ચિત્રો અને જે લાઇટિંગ વ્યવસ્થા કરી સુશોભન કરવામાં આવ્યું છે જેને ભાવિકોએ વખાણ્યું છે.

જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ કર્યા બાદ ગિરનાર તળેટીમાં સ્થિત વિવિધ આશ્રમો અને અખાડાઓની મુલાકાત લીધી હતી. તેઓએ ભારતી આશ્રમ અને ઇન્દ્રભારતી બાપુના આશ્રમ સહિતના સ્થળોએ પગપાળા જઈને સાધુ-સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે મુક્તાનંદ બાપુ, ઇન્દ્રભારતી બાપુ અને હરીહરાનંદ બાપુ સહિતના સંતોએ ઉપસ્થિત અધિકારીઓને આવકારી આશીર્વાદ પાઠવ્યા હતા.

આ વર્ષે ચકડોળ વગરનો મેળો!

આ વર્ષે શિવરાત્રી મેળામાં સૌથી વધુ ચર્ચાનો વિષય ‘ચકડોળ’નો અભાવ રહ્યો છે. સામાન્ય રીતે દર વર્ષે ભારતી આશ્રમ નજીક અને મેળાના મેદાનમાં બાળકોના મનોરંજન માટે નાના-મોટા ચકડોળ, ફજત ફારકા અને વિવિધ રાઈડ્સની હારમાળા જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે મિની કુંભના આયોજન વચ્ચે નવાઈની વાત એ છે કે, મેળામાં એક પણ ચકડોળ કે મનોરંજનની રમતો રાખવામાં આવી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક