પાવડાના
ઘા ઝીંકી પત્નીને મૃત્યુને ઘાટ ઉતારનાર પતિ જેલ હવાલે
જામ
ખંભાળિયા, ભાણવડ, તા.11 : ભાણવડ તાલુકાના સણખલા ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
છે, જેમાં ખેતરમાં કામ કરતા એક શ્રમિક દંપતી વચ્ચે ઘઉંમાં પાણી વાળવા જેવી સામાન્ય
બાબતે થયેલી તકરારમાં પતિએ આવેશમાં આવી પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે. આ બનાવ અંગે
ખેતર માલિકની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે.
મળતી
માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ ભાણવડ તાલુકાના સણખલા ગામે આવેલી
પ્રતાપભાઈ ભીખાભાઈ કોડિયાતરની વાડીમાં રહીને ખેત મજૂરી કરતા આરોપી નંદરામ સોમા ગરવાલે
પત્ની રેખાબેન સાથે ઘઉંમાં પાણી વાળવા બાબતે ઝઘડો કરી અને રેખાબેનનેને માથાના જમણા
ભાગે લોખંડના પાવડાનો ઘા મારી દીધો હતો. એટલું જ નહીં આરોપી નંદરામે પત્નીને શરીરે
અને જમણી આંખ તથા છાતીના ભાગે મુક્કા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ગળાના ભાગે
વિખોડિયા ભરી, ગળું દબાવી દઈને તેણીની હત્યા નીપજાવી હતી.
આ સમગ્ર
મામલે વાડી માલિક પ્રતાપ ભીખા કોડિયાતરે ભાણવડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી
વિરુદ્ધ ગુનો નોંધયો હતો. આ બનાવ બનતા ડીવાય.એસ.પી. વી. પી. માનસેતા તેમજ ભાણવડ પી.આઇ.
સી. એલ. દેસાઈ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાકીદની કાર્યવાહી કરી, આરોપીની
અટકાયત કરી લીધી હતી. ઝડપાયેલા આરોપીને પી.આઇ. ચેતન દેસાઈ દ્વારા અદાલતમાં રજૂ કરવામાં
આવતા નામદાર અદાલતે આરોપી પતિ નંદરામ સોમા ગરવાલને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.