• સોમવાર, 23 માર્ચ, 2026

વિમાન યાત્રા મોંઘી : ભાડાંનું ભાવ બાંધણું હટાવાયું યુદ્ધની જ્વાળાથી દાઝતું ભારતનું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર

આજથી જ એરલાઈન્સને ભાડા નક્કી કરવાની છૂટ

નવીદિલ્હી,તા.22: વૈશ્વિક ઓઈલ સંકટમાં વિમાન ક્ષેત્ર ભારે દબાણમાં આવી ગયું છે. જેને પગલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઘરેલુ હવાઈ યાત્રા ઉપર લગાડેલી હંગામી ટોચમર્યાદાને હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે હવે વિમાન યાત્રા મોંઘી થવાની છે. ગત વર્ષે ઈંડિગોની સેવામાં આવેલી ગંભીર અડચણો બાદ ટિકિટનું ભાવબાંધણું કરી નાખવામાં આવ્યું હતું. જો કે હવે તે ટોચમર્યાદા હટાવી લેવામાં આવી છે અને આવતીકાલ એટલે કે 23મી માર્ચથી એર લાઈન્સ ભાડા નક્કી કરી શકશે. ઈન્ડિયન એરલાઈન્સ પશ્ચિમ એશિયાનાં યુદ્ધનાં કારણે ઉંચી પડતર સામે ઓછા ભાડાંનાં દબાણમાં આવી ગઈ છે ત્યારે હવે ટિકિટનાં ભાવની ટોચમર્યાદા હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

એરલાઈન્સનાં ગ્રુપિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયન એરલાઈન્સે સરકારને આગ્રહ કર્યો હતો કે, પશ્ચિમ એશિયામાં ચાલતા ઘર્ષણનાં હિસાબે ભારતીય વિમાન કંપનીઓ જે પ્રકારે દબાણનો સામનો કરી રહી છે તેને ધ્યાને લેતા ભાવ બાંધણું હટાવી લેવું જોઈએ. યુદ્ધનાં કારણે ઈંધણમાં ભારે ભાવવધારો થયો છે અને ડોલર સામે રૂપિયો પણ કમજોર થયો છે. જેની માઠી અસરો એરલાઈન્સને થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરની શરૂઆતમાં ઈંડિગોની ફ્લાઈટમાં મોટાપાયે વિક્ષેપો સર્જાયા હતાં અને તેની સામે વિમાનયાત્રાનાં ભાડામાં તીવ્ર વધારાને ધ્યાને રાખીને સરકારે તેને નિયંત્રિત કરવા માટે દખલ કરી હતી. ઘરેલુ ઉડાનો માટે ભાડાની ટોચમર્યાદા નક્કી કરી નાખવામાં આવી હતી. જે હવે આવતીકાલથી હટી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક