• સોમવાર, 23 માર્ચ, 2026

સુરત : પાખંડી યોગ ગુરૂ સંતાન પ્રાપ્તિ માટે હજારો રૂપિયાની નકલી દવા વેંચતો

પારડી સ્થિત યોગ આશ્રમમાંથી ભોંયરું નીકળતા રહસ્યના તાણાવાણા

રાજકોટ, તા. 22: એક સમયે રાજકોટમાં હેર સલૂન ધરાવતા અને હાલમાં સુરત જિલ્લાના ધોરણ પારડી સ્થિત યોગ આશ્રમમાં નકલી ચલણી નોટનાં રેકેટમાં પકડાયેલા પાખંડી યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયા સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક દંપતિઓને નકલી દવાઓ વેંચી તેમની પાસેથી હજારો રૂપિયા ખંખેરી લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આશ્રમની અંદરની ગતિવિધિઓ ગુપ્ત રાખવા માટે પ્રદીપે આશ્રમની ચોમેર 15 ફૂટ ઊંચી કિલ્લા જેવી દીવાલો બનાવી હતી તેમજ આશ્રમમાંથી બીજું શંકાસ્પદ ભોંયરું પણ મળી આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આશ્રમમા ગર્ભ સંસ્કાર માટે અલગ શિબિર કરવામાં આવતી હતી. સંતાન પ્રાપ્તિ માટેની દવાઓ પણ રૂ. 15થી 18 હજાર લઈને આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આયુર્વેદિક દવાઓના ડબ્બામાં નકલી દવા પણ વેચતો હતો.

યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાની કારમાંથી બે કરોડથી વધુની 500 રૂપિયાનાં દરની બનાવટી ચલણી નોટો મળી આવતા રાજ્ય વ્યાપી પ્રત્યાઘાત બાદ ધોરણ પારડી સ્થિત આશ્રમમાં આવેલી ઓફિસને છેલ્લા બે દિવસથી સાધકો દ્વારા તાળા મારી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન આશ્રમ પરિસરમાંથી ઈનોવા, થાર જેવી લક્ઝરી ગાડીઓ પણ ગાયબ થઈ ગઈ છે. પ્રદીપની ધરપકડ કરવામાં આવતા ગ્રામજનો જ્યારે આશ્રમની અંદર પહોંચ્યા ત્યારે ઓપરેશન થિયેટર અને લેબની નીચેથી બીજું એક રહસ્યમય ભોંયરું મળી આવ્યું હતું. 15થી 20 ફૂટ ઊંડું અને 15થી 20 ફૂટ લંબાઈ ધરાવતા આ ભોંયરાને પહેલા ઢાંકણથી કવર કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેની ઉપર ટાઇલ્સ પણ લગાવી દેવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા ટાઈલ્સ ઉખેડીને ઢાંકણ ખોલવામાં આવતા રહસ્યમય ભોંયરું મળી આવ્યું હતું.

ધોરણ-12 પાસ હોવા છતા યુટ્યુબનાં સહારે ડોક્ટરની ડિગ્રી વિના કેન્સર અને હાર્ટ અટેકની જોખમી સારવાર કરવા સુદ્ધાનાં આક્ષેપો પ્રદીપ પર મુકવામાં આવ્યા છે. કહેવાય છે કે પ્રદીપ ગુરુ બજારમાં મળતી જાણીતી આયુર્વેદીક કંપનીની દવાઓ ખરીદીને ડબ્બામાંથી તેમની દવા કાઢી લેતો હતો. તેના બદલે તે પોતાની હલકી ગુણવત્તાવાળી દવા તેમાં ભરીને વેચતો હતો. એટલું જ નહીં જે ઓરીજીનલ દવા તે કાઢતો હતો તેના ચારથી પાંચ જેટલા ભાગ કરીને તે પોતાના જ સાધકોને અને આશ્રમમાં આવતા લોકોને પોતાની દવા છે તેમ કહી ત્રણથી ચાર ગણી કિંમતે વેચતો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક