માગ અને આયાત બન્નેમાં નોંધપાત્ર ઘટાડો થવાનાં અનુમાન
નવીદિલ્હી,
તા.22: ખાડી દેશોમાં યુદ્ધ હવે ચોથા અઠવાડિયામાં પહોંચી ગયું અને તેની અસર દુનિયામાં
વિભિન્ન ક્ષેત્રો ઉપર વર્તાવા લાગી છે. જેની ચપેટમાં ભારતની સ્માર્ટફોન બજાર પણ આવી
ગઈ છે. આ વૈશ્વિક સંકટનાં કારણે સ્માર્ટ ફોનની માગમાં ઘટાડો થવા સાથે તેની સપ્લાય શૃંખલા
ઉપર પણ દબાણ વધી રહ્યું છે.
કાઉન્ટરપોઇન્ટ
રિસર્ચનાં એક અહેવાલ અનુસાર 2026 માટે ભારતમાં સ્માર્ટફોનની ખેપનું અનુમાન ઘટાડીને
139 મિલિયન યુનિટ કરી નાખવામાં આવ્યું છે. જે અગાઉ 142 મિલિયન જેટલું હતું જ્યારે ઓમ્ડીઆએ
પણ પોતાનાં અનુમાનને 148 મિલિયનથી ઘટાડીને 142થી 14પ મિલિયન યુનિટ કરી નાખ્યું છે.
નિષ્ણાતોનું
એવું પણ કહેવું છે કે, ભારતમાં માગ અને પુરવઠા બન્ને ઉપર દબાણનું કારણે માત્ર વૈશ્વિક
કટોકટી નથી બલકે મેમરી અને સ્ટોરેજનાં ઉપકરણોની તંગી પણ છે. આ પાર્ટની કિંમતમાં 40થી
પ0 ટકા જેટલો ભાવવધારો થયો છે અને તેનાં કારણે સ્માર્ટફોનની પડતર ખૂબ ઊંચી થઈ ગઈ છે.
આ સંજોગોમાં મધ્યપૂર્વનાં તનાવે સ્થિતિ વધુ વણસાવી નાખી છે. કિંમતોમાં વધારાનાં કારણે
લોકોએ હવે સ્માર્ટફોન સહિતનાં ટાળી શકાય તેવા બિનજરૂરી ખર્ચાઓ ઘટાડયા હોય તેવું દેખાવા
લાગ્યું છે.