કંપનીના સીઇઓએ કર્મચારીઓને પત્ર : એર ઇન્ડિયા ઉપર અસર શરૂ થવાની કબૂલાત
નવી
દિલ્હી, તા. 22 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ભારતીય વિમાન ક્ષેત્ર
ઉપર જોવા મળી રહી છે. દેશની પ્રમુખ એરલાઇન કંપની એર ઇન્ડિયાએ છેલ્લાં ત્રણ અઠવાડિયામાં
પોતાની 2500 જેટલી ફલાઇટ રદ કરી દીધી છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) કેમ્પેબલ
વિલ્સને કર્મચારીઓને મોકલેલા એક આંતરીક સંદેશમાં કહ્યું હતું કે એરલાઇન વર્તમાન સમયે
સંઘર્ષનાં ક્ષેત્રમાં પોતાનાં સામાન્ય શેડયુલથી માત્ર 30 ટકા જ ફલાઇટ સંચાલિત કરી રહી
છે.
કેમ્પેબલ
વિલ્સને પોતાના પત્રમાં સ્વીકાર કર્યો હતો કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલાં યુદ્ધની અસર
એર ઇન્ડિયા ઉપર વધુ પડી છે. સંઘર્ષ શરૂ થયા બાદથી ક્ષેત્રની લગભગ 2500 ફલાઇટ રદ કરવી
પડી છે. વર્તમાન સ્થિતિ એવી છે કે એરપોર્ટ અને એરસ્પેસ બંધ થવા ઉપરાંત સુરક્ષા માપદંડોના
દાયરાથી બહાર હોવાનાં કારણે સામાન્ય ક્ષમતાના માત્ર 33 ટકા હિસ્સો જ ચલાવી શકે છે.
વિલ્સને ચેતવણી આપી કે આ સંકટની આર્થિક અસર શરૂ થવા લાગી છે. વિમાન ઈંધણની કિંમત બમણીથી
વધારે થઈ છે. વધુ અસર આગામી મહિનાથી કંપનીનાં
ખાતા ઉપર જોવા મળશે.