• રવિવાર, 12 એપ્રિલ, 2026

ઈરાન-અમેરિકા વચ્ચે પાક.માં શાંતિ મંત્રણા શરૂ

- ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનનાં પ્રતિનિધિમંડળ પાક. ઙખ શરીફને અલગ-અલગ મળ્યા : ઈરાને પોતાની આકરી શરતો અને પ્રસ્તાવ પાક.ને સોંપ્યા

- એકબાજુ વાટાઘાટ, બીજીબાજુ ટ્રમ્પની ધમકી : ઈરાને કહ્યું, અમેરિકા ઉપર હવે જરાય ભરોસો નથી

 

ઈસ્લામાબાદ, તા.11 : પાકિસ્તાનની યજમાનીમાં ઈરાન અને અમેરિકા વચ્ચે બે સપ્તાહનાં યુદ્ધવિરામને સ્થાયી યુદ્ધવિરામમાં તબદિલ કરવા માટે વાટાઘાટો આજથી શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન શહબાઝ શરીફ સહિતનાં શીર્ષ નેતૃત્વ દ્વારા આજે અમેરિકા અને ઈરાનનાં પ્રતિનિધિમંડળ સાથે અલગ-અલગ બેઠકો કરવામાં આવી હતી. જેમાં ઈરાન તરફથી શાંતિ સમજૂતી માટે આકરી શરતો મૂકી દેવામાં આવી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે બે તબક્કામાં વાતચીત થઈ હતી. પહેલો તબક્કો બે કલાક ચાલ્યો હતો જ્યારે બીજા તબક્કાની વાતચીત રાત્રે શરૂ કરવામાં આવી હતી.

લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં આજે આ શાંતિ વાટાઘાટોનો આરંભ થયો હતો. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનાં વડપણ હેઠળનાં પ્રતિનિધિમંડળે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે બેઠક કરી હતી. આવી જ રીતે ઈરાનના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિઓએ પણ શરીફ અને અન્ય પાકિસ્તાની અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ઈરાનનાં પ્રતિનિધિમંડળમાં સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ઘલીબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સામેલ છે. પાકિસ્તાનનાં શીર્ષ નેતૃત્વ સાથેની બેઠકમાં ઈરાનના પક્ષેથી શાંતિ માટે પોતાની શરતો જણાવી દેવામાં આવી હતી. ઈરાન તરફથી પોતાનો પ્રસ્તાવ અને શરતો પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને સોંપી દેવામાં આવ્યા હતા.

ઈરાને રાખેલી આકરી શરતોમાં વ્યૂહાત્મક જળમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર પોતાનાં સંપૂર્ણ નિયંત્રણની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત યુદ્ધનું પૂરું વળતર માગવામાં આવ્યું છે. અમેરિકાનાં પ્રતિબંધોનાં કારણે વિદેશી બેન્કોમાં અટવાયેલી ઈરાનની જંગી રકમ મુક્ત કરવાની માગનો પણ આમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત લેબનોન સહિત સમગ્ર ક્ષેત્રમાં સ્થાયી યુદ્ધવિરામ માગવામાં આવ્યો છે.

દરમિયાન મીડિયાના અહેવાલોથી વિપરિત અમેરિકાએ આ વાટાઘાટો હકારાત્મક ચેષ્ટામાં ઈરાનની સ્થગિત કરી દેવામાં આવેલી સંપત્તિઓ મુક્ત કરવાનો કોઈ નિર્ણય લેવાયો હોવાનું સ્પષ્ટ નકારી દીધું હતું.

પાકિસ્તાનમાં આ શાંતિ મંત્રણા ચાલતી હતી ત્યારે જ બીજીબાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નવી ધમકી આપી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કોઈપણ પ્રકારનો ટોલ વસૂલવા દેવાશે નહીં. ઉલ્લેખનીય છે કે, ઈરાન હોર્મુઝમાંથી પસાર થતાં વેપારી જહાજો પાસેથી ટોલ ઉઘરાવવાનો ઈરાદો ધરાવે છે. જેનો ઈન્કાર કરીને ટ્રમ્પે વાટાઘાટ ઉપર દબાણ વધારી દીધું હતું.

તો બીજીબાજુ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ પણ સ્પષ્ટ કહી દીધું હતું કે, અમેરિકાએ વારંવાર કરેલા વિશ્વાસઘાતનાં કારણે ઈસ્લામાબાદની વાટાઘાટમાં ઈરાન પૂરેપૂરા અવિશ્વાસ સાથે જ સામેલ થયું છે. તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે, ઈરાન હવે અમેરિકા ઉપર બિલકુલ ભરોસો કરતું નથી.

ઉલ્લેખનીય છે કે, ઈસ્લામાબાદની વાટાઘાટ માટે ઈરાને પોતાની બહુ મોટી અને શક્તિશાળી ટીમ મોકલી છે. જેની આગેવાની સંસદના અધ્યક્ષ ગલીબાફ કરી રહ્યા છે. આ સીવાય વિદેશમંત્રી અરાઘચી, સુપ્રીમ નેશનલ ડીફેન્સ કાઉન્સીલનાં સચિવ અલી અકબર અહમદિયાન, કેન્દ્રીય બેન્કનાં ગવર્નર અબ્દોલનાસેર હેમ્માતી અને સંસદનાં અન્ય સદસ્યો પણ સામેલ છે. તો બીજીબાજુ અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, અમેરિકાના ક્ષેત્રીય દૂત સ્ટવ વિટકોફ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના જમાઈ અને સલાહકાર જેરેડ કુશનર ઈસ્લામાબાદ પહોંચેલા છે. જેમનું સ્વાગત પાક.ના પ્રધાનમંત્રી શરીફે કર્યું હતું.

એકબાજુ અમેરિકા અને ઈરાન વચ્ચે આ અપ્રત્યક્ષ વાટાઘાટો શરૂ થઈ ત્યારે બીજીબાજુ આ યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર લેબનોન અને ઈઝરાયલના અમેરિકા સ્થિત રાજદૂતોએ ફોન ઉપર વાતચીત કરી હતી. આગામી અઠવાડિયામાં અમેરિકામાં બન્ને પક્ષ વચ્ચે યુદ્ધવિરામની સંભવિત ચર્ચા પહેલા આજનો આ સંપર્ક પણ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક