લોકો ઊંઘમાંથી જાગી રસ્તા પર દોડયા; રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં ભયનો માહોલ
રાજકોટ,
તા.10: અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ ચિંતાજનક રીતે
વધી રહ્યું છે. ગત (9 એપ્રિલ) મોડી રાત્રે અમરેલી ઉપરાંત ભાવનગર પંથકમાં પણ 3.7ની તીવ્રતાનો
જોરદાર આંચકો અનુભવાયો હતો. આ ધડાકાભેર આવેલા આંચકાને કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો
હતો અને લોકો ઊંઘમાંથી જાગીને રસ્તા પર દોડી
આવ્યા
હતા.
અમરેલી
: અમરેલી જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે ભૂકંપીય હલચલ યથાવત્ રહેતા લોકોમાં ચિંતા
વધતી જવા પામી છે. છેલ્લા બે દિવસથી સાવરકુંડલા પંથકમાં અનુભવાયેલા આંચકાઓ બાદ આજે
વહેલી સવારે રાજુલા-ખાંભા વિસ્તારમાં ફરી એક ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. રાજુલા
પંથકમાં રાત્રિના આશરે 2:24 કલાકે 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકાની
અસર રાજુલા, જાફરાબાદ, ખાંભા તથા સાવરકુંડલા તાલુકાના અનેક ગામડાંઓમાં અનુભવાઈ હતી.
ભર નિંદ્રામાં સૂતેલા લોકો અચાનક જાગી જતા ગભરાટ ફેલાયો હતો. આ અંગે સિસ્મોલોજી વિભાગે
પણ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મહુવાથી અંદાજે 32 કિલોમીટર દૂર હોવાનું જણાવ્યું છે.
સાવરકુંડલા તાલુકાના મિતિયાળા બાદ હવે રાજુલા-ખાંભા પંથકમાં પણ આંચકાની અનુભૂતિ થતા
અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ભાવનગર
: ગુરુવારે મધરાતે 2:24 કલાકે 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું એપી સેન્ટર
ભાવનગર ના મહુવાના અમૃતવેલ નજીક નોંધાયું છે.
ભાવનગરની
માઠી બેઠી હોય તેમ, ગત 19 માર્ચથી 7 એપ્રિલ સુધીના ટૂંકા ગાળામાં શહેરમાં ત્રણ વાર
માવઠું થયું હતું. કુદરતી આફતોના આ ક્રમમાં
હવે ભૂકંપનો ઉમેરો થતા સ્થાનિકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. મધરાતે ધરતીકંપનો
આંચકો આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર અને જિલ્લામાં સમયાંતરે હળવા કે
મધ્યમ ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.
સાવરકુંડલા
: ગુરુવારના રોજ મોડી રાત્રે 2:24 મિનિટે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. 3.7ની તીવ્રતાના
ધરતીકંપના આંચકાથી લોકો ઘરની બહાર પણ નીકળ્યા હતા જ્યારે સાવરકુંડલા નગરપાલિકાની દિવાલમાં
તિરાડો પડી હતી.