- નાસાનું આર્ટેમિસ-ટુ મિશન: ચાર અંતરિક્ષ યાત્રી વહેલી સવારે પ્રશાંત મહાસાગરમાં ઉતર્યા
વોશિંગ્ટન,
તા.11 : અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાના આર્ટેમિસ-ટુ મિશનના ચાર અંતરીક્ષયાત્રી ચંદ્રમાનો
પ્રવાસ કરીને પરત ધરતી પર આવી ગયા છે. આજે ભારતીય સમય મુજબ વહેલી સવારે 5.37 કલાકે
તેમની ઓરિયન કેપ્સ્યૂલ અમેરિકાના સૈન ડિએગોના તટ નજીક પ્રશાંત મહાસાગરમાં ‘સ્પ્લૈશડાઉન’
થઈ હતી. આ મિશન બીજી એપ્રિલે લોન્ચ થયું હતું.
1972
બાદ એટલે કે 54 વર્ષના સમય પછી માનવ ચંદ્રમાની આટલી નજીક પહોંચ્યો હતો.. આર્ટેમિસ-ટુના
અંતરીક્ષ યાત્રીઓએ છઠ્ઠી એપ્રિલે પૃથ્વીથી સૌથી વધુ અંતરની યાત્રા કરીને કોઈ પણ સમાનવ
અંતરીક્ષ મિશનનો વિક્રમ તોડયો હતો. તેમણે ચંદ્રના અંધારિયા ભાગની ફોટોગ્રાફી પણ કરી
હતી.
આ મિશનનો
હેતુ અંતરીક્ષ યાનના ‘લાઈફ સપોર્ટ સિસ્ટમ’ની તપાસ કરવાનો હતો. નાસા એ જોવા માગતું હતું
કે અંતરીક્ષમાં માનવીઓના રહેતા માટે તે કેટલું સુરક્ષિત છે.
ઉલ્લેખનીય
છે કે યાન હજુ ચંદ્રની સપાટી પર ઊતર્યું નથી પરંતુ ભવિષ્યમાં ચંદ્રમા પર માનવોના વસવાટનો
માર્ગ સરળ બનાવશે.
ભારતીય
સમય મુજબ સવારે 5.03 કલાકે સર્વિસ મોડયૂલના અલગ થયા બાદ યાનની હીટ શિલ્ડ સક્રિય બની
હતી. ઘર્ષણને કારણે યાનની બહારનું તાપમાન આશરે
3000 ડિગ્રી ફેરનહિટ સુધી પહોંચી ગયું હતું. આ દરમ્યાન આશરે છ મિનિટ માટે ‘કોમ્યુનિકેશન
બ્લેકઆઉટ’ રહ્યું હતું. યાન જ્યારે ધરતીથી 22 હજાર ફૂટની ઊંચાઈએ હતું ત્યારે 5.23 મિનિટે
ડ્રોગ પેરાશૂટ ખુલ્યાં હતાં. પેરાશૂટે સમુદ્રમાં પડવા અગાઉ ઓરિયનની ગતિ ધીમી કરી અને
તેને સ્થિર બનાવી હતી. 5.34 મિનિટે 6000 ફૂટની ઊંચાઈએ નાના પેરાશૂટ અલગ થયાં હતાં અને
ત્રણ મુખ્ય પેરાશૂટ ખુલ્યાં હતાં. 5.37 મિનિટે ગતિ ઘટીને 51 કિ.પ્રતિ કલાક થઈ હતી અને
ઓરિયન સૈન ડિએગોના તટ પાસે ઉતરવાની સાથે 11.17 લાખ કિ.મી. લાંબી યાત્રા પૂરી થઈ હતી.