• રવિવાર, 12 એપ્રિલ, 2026

સૌરાષ્ટ્રમાં 6 મનપાની ચૂંટણી લડવા 2060 ઉમેદવારનું નામાંકન

- ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ, અંતિમ દિવસે ભારે ભીડ અને રાજકીય ગરમાવો

-રાજકોટમાં ચૂંટણી અધિકારીની કચેરીઓમાં અનેક જગ્યાએ ટોળા ભેગા થતા આચારસંહિતાનો ભંગ

જામનગરમાં ભાજપે 50 પૂર્વ કોર્પોરેટરોમાંથી 36ને ટિકિટ કાપી

-મોરબીમાં અંતિમ દિવસોમાં ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો

-ભાવનગરમાં અનેક વોર્ડમાં ઉમેદવારોની પસંદગીને લઈને વિરોધના સૂર

 

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.11 : સૌરાષ્ટ્રભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. રાજકોટ, જામનગર, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને ભાવનગર સહિતના જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અંતિમ દિવસે ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ચૂંટણી કચેરીઓમાં ઉમટી પડયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ઉત્સાહભર્યો બની ગયો હતો. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અન્ય રાજકીય પક્ષોએ અંતિમ ક્ષણ સુધી ઉમેદવારોની યાદી તૈયાર કરી ફોર્મ ભર્યા હતા. જેને લઈને સૌરાષ્ટ્રની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી લડવા અત્યારે 2060 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. અનેક જગ્યાએ ઉમેદવાર પસંદગી અને ટિકિટ ફાળવણીને લઈને આંતરિક વિવાદ અને અસંતોષ પણ જોવા મળ્યો હતો. હવે ચૂંટણી પ્રક્રિયાનો આગળનો તબક્કો 13 એપ્રિલે ફોર્મની ચકાસણીનો રહેશે અને 15 એપ્રિલ ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ રહેશે. ત્યાર બાદ ચૂંટણીનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે. મતદાન 26 એપ્રિલે યોજાશે જ્યારે મતગણતરી 28 એપ્રિલે કરવામાં આવશે.

રાજકોટમાં ચૂંટણી અધિકારીની કચેરીઓમાં ઉમેદવારો સાથે માત્ર મર્યાદિત સંખ્યામાં સમર્થકોને પ્રવેશ આપવાનો નિયમ હોવા છતાં અનેક જગ્યાએ ટોળા ભેગા થતા આચારસંહિતા ભંગની ફરિયાદો પણ નોંધાઈ છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 12 સ્થળે નામાંકન પત્ર સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં આખો દિવસ ભારે ભીડ જોવા મળી હતી. આ પહેલા ગઈકાલ સુધી કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે અંતિમ દિવસે બાકીના ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ ભર્યા હતા. બીજી તરફ ભાજપના તમામ ઉમેદવારોએ તમામ વોર્ડ માટે સંગઠિત રીતે ઉમેદવારી નોંધાવી અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની ચૂંટણી માટે કુલ 317 ફોર્મ ભરાયા છે. તેમાં ભાજપના 123, કોંગ્રેસના 86, આમ આદમી પાર્ટીના 64, બસપાના 17 અને અન્ય ઉમેદવારોના 27 ફોર્મનો સમાવેશ થાય છે. ભાજપે આ વખતે ઘણા જૂના ચહેરાઓને બહાર રાખી નવા ઉમેદવારોને તક આપી છે, જેના કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ભાજપે 50 પૂર્વ કોર્પોરેટરોમાંથી 36ને ટિકિટ કાપી અને મોટા પ્રમાણમાં નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે પણ મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો ભરાયા છે. અંતિમ દિવસોમાં ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો, જેના કારણે ચૂંટણી કચેરીઓમાં ભારે ભીડ જોવા મળી.

ભાવનગરમાં ભાજપની ટિકિટ ફાળવણીને લઈને અંતિમ ક્ષણ સુધી સસ્પેન્સ અને આંતરિક અસંતોષની સ્થિતિ રહી હતી. અનેક વોર્ડમાં ઉમેદવારોની પસંદગીને લઈને ચર્ચા અને વિરોધના સૂર ઉઠયા હતા.

બોટાદ જિલ્લામાં ઉમેદવારી ફોર્મનો જાણે વરસાદ થયો હોય તેમ નગરપાલિકાથી જિલ્લા પંચાયત સુધી ભારે સ્પર્ધા જામી છે અને અનેક બેઠકો ઉપર બહોળી ઉમેદવારી નોંધાય છે. જેને લઈને રાજકિય માહોલ ગરમાયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક