• શનિવાર, 11 એપ્રિલ, 2026

ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના મોતનો મામલો : ફૂડ પોઈઝાનિંગ નહીં પણ હત્યાની આશંકા

પતિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરતા અઈઙ કચેરીએ પૂછપરછ માટે લઇ જવાયો

અમદાવાદ, (અમારા પ્રતિનિધિ તરફથી) તા.10: ચાંદખેડાની મારૂતિ પ્લાઝા સોસાયટીમાં ઢોસા ખાધા બાદ બે સગી બહેનોના શંકાસ્પદ મૃત્યુ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. શરૂઆતમાં બગડેલા ખીરાને કારણે ફૂડ પોઈઝાનિંગની આશંકા સેવાતી હતી, પરંતુ પોલીસ તપાસમાં હવે પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં બાળકીઓની હત્યા કરાઈ હોવાની કડીઓ મળી રહી છે. પોલીસને માતા ભાવના પ્રજાપતિની એક ડાયરી મળી આવી છે, જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવતા આખો કેસ હવે સંભવિત હત્યા તરફ ફંટાયો છે.

પોલીસ તપાસમાં વધુ એક મહત્ત્વનો ખુલાસો એ થયો છે કે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા માતા-પિતાના લોહીના નમૂનામાં ‘એલ્યુમિનિયમ ફોસ્ફેટ’ (ઝેરી પદાર્થ) ના અંશ મળી આવ્યા છે. આ કેસની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે. શુક્રવારે પિતા વિમલ પ્રજાપતિને હોસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસ તેને સીધી પૂછપરછ માટે એસીપી કચેરી લઈ ગઈ હતી, જ્યાં તેણે માત્ર ઢોસા ખાધા હોવાનું જ રટણ ચાલુ રાખ્યું હતું.

આ મામલે અત્યાર સુધીમાં પરિવારના સભ્યો અને ડેરી માલિક સહિત 30થી વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. પોલીસ હવે બાળકીઓના પીએમ અને એફએસએલ રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહી છે, જે આ રહસ્યમયી મોતના સાચા કારણ પરથી પડદો ઉઠાવશે. જો રિપોર્ટમાં ઝેરની પુષ્ટિ થશે, તો આ કેસમાં માતા-પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક