હાઈ કોર્ટનો મોટો આદેશ : ચાંદીવલી વિધાનસભા ક્ષેત્રના પરિણામનો વિવાદ
નવી દિલ્હી, તા. 10 : ભારતમાં
જ્યારથી ચૂંટણી માટે ઈવીએમનો ઉપયોગ શરૂ થયો છે તેમાં પહેલી વખત ચૂંટણી બાદ ઈવીએમની
તપાસ થવા જઈ રહી છે. જસ્ટિસ સોમશેખર સુંદરેસને ઈવીએમની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
સિનિયર કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી આરિફ નસીમ ખાનની ઉપસ્થિતિમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ
લિમિટેડ (બીઈએલ) ઈવીએમની તપાસ કરશે. હકીકતમાં ખાને ચાંદીવલી વિધાનસભા ચૂંટણીના પરિણામને
અદાલતમાં પડકાર્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં ખાન શિવસેના વિધાયક દિલીપ લાંડે સામે ચૂંટણી
હારી ગયા હતા.
12 ફેબ્રુઆરીના રોજ હાઈ કોર્ટે
આદેશ કર્યો હતો કે ઈવીએમની તપાસ થવી જોઈએ. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ રાહુલ
ગાંધીએ પણ ઈવીએમ સાથે ચેડા અને વોટ ચોરીનો આરોપ મુક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે
આવેદક માટે જ્યારે પણ ઈવીએમની તપાસની અનુમતિનો આદેશ આપવામાં આવે તેના બે મહિનાની અંદર
જ ચૂંટણી પંચે મશીનોનું નિરિક્ષણ પૂરું કરાવવાનું રહેશે.
કેર્ટે કહ્યું હતું કે, ભારતમાં
ક્યારેય આવી રીતે ઉમેદવાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ઈવીએમની તપાસ કરવામાં આવી નથી.
હવે મુંબઈના ડેપ્યુટી રિટર્નિંગ ઓફિસર અર્ચના કદમે કહ્યું હતું કે, 16 અને 17 એપ્રિલના
રોજ ડાયગ્નોસ્ટિક ચેક કરવામાં આવશે. નસીમ ખાને સુપ્રીમ કોર્ટના 2024ના ચુકાદાનો ઉલ્લેખ
કરતા કહ્યું હતું કે પ્રત્યેક ક્ષેત્રમાંથી ઓછામાં ઓછા પાંચ ટકા ઈવીએમના બર્ન્ટ મેમોરી,
માઈક્રોકન્ટ્રોલની તપાસ ચૂંટણી પરિણામ બાદ ઈવીએમ નિર્માતા અને એન્જિનિયરો દ્વારા કરવી
જોઈએ.