(ફૂલછાબ ન્યુઝ)
સુરત,
તા. 18 : સુરતમાં કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં હોવાના કથિત દાવાઓ વચ્ચે ઉધના વિસ્તારના
ભાજપના મહિલા આગેવાન જયશ્રીબેન દલાલના પુત્રને ગત મોડી રાત્રે ત્રણ શખસે બાઈક પર આવી
ચપ્પુના ઘા ઝીંકી મૃત્યુને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવક ભાજપ યુવા
મોરચાનો આગેવાન હોવાનું અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિયપણે પક્ષની
કામગીરી સંભાળતો હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે જાણ થતાં જ ઉધના પોલીસે ત્રણ આરોપીઓ
વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
સૂત્રો
પાસેથી મળતી માહિતી મુજબ ભાજપના યુવા મોરચાના આગેવાન અને હોટલના વ્યવસાય સાથે સંક્ળાયેલો
જય દલાલ (ઉં.21) ગત મોડી રાત્રે પોતાના મિત્રને ઉધના રોડ નંબર 6 ઉપર આવેલી એક ભંગારની
દુકાન પાસે ગયો હતો. અને ત્યાં મિત્રો સાથે ઉભો હતો તે દરમિયાન માલિંદ કોળી, કિશન ઉર્ફે
ચકલી પરમાર અને પંકજ પાટીલ તરીકે ઓળખાતા શખસો સહિત 8થી 10 જેટલા ટપોરીઓએ મળીને જય દલાલને
ચપ્પુના ઘા ઝીંકી દેતા ઈજાગ્રસ્ત હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં
ટૂંકી સારવાર બાદ તેનુ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો
દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. હત્યાની ઘટનાથી
પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતકની માતા અને ભાજપ મહિલા આગેવાન જયશ્રીબેન
દલાલે આરોપીઓને કડક સજા આપવા તથા ન્યાયની માંગણી કરી છે.
પ્રાથમિક
તપાસમાં બહાર આવ્યું છે કે આશરે ત્રણ મહિના પહેલાં મૃતક જય દલાલ અને આરોપીઓ વચ્ચે કોઈ
બાબતે ઝઘડો થયો હતો. વધુમાં જાણવા મળ્યું કે આરોપી પંકજ પાટીલ, કિશન ઉર્ફે ચકલી પરમાર
અને માલિંદ કોળી સહિતના શખ્સો સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને પોલીસ દ્વારા
તેમની સામે પાસા જેવી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી
હાથ ધરી છે.