• શનિવાર, 27 જૂન, 2026

હોર્મુઝમાં ફરી તણાવ : જહાજ ઉપર ઈરાનનો હુમલો

સિંગાપુરનો ધ્વજ ધરાવતું જહાજ નિશાને આવ્યું : ઓમાને વૈકલ્પિક માર્ગ શરૂ કરતા નવો વિવાદ શરૂ થયો : ત્રણ જહાજને IRGCએ પરત વાળ્યા

 

તેહરાન, તા. 26 : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા અને 60 દિવસના યુદ્ધ વિરામ વચ્ચે ખાડી ક્ષેત્રમાં ફરીથી તણાવમાં વધારો થયો છે. નવો વિવાદ ઓમાન દ્વારા તેલ ટેંકર્સ માટે એક વૈકલ્પિક સમુદ્રી માર્ગની ઘોષણાથી શરૂ થયો છે. ઈરાને ઓમાન દ્વારા ઘોષિત નવા માર્ગ અંગે સખત શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમ છતાં ઘણા જહાજ નવા માર્ગે પસાર થવા લાગ્યા હતા. આ દરમિયાન ઈરાની સેનાએ સિંગાપુરનો ધ્વજ ધરાવતા એક માલવાહક જહાજ એવર લવલીને નિશાન બનાવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા.વધુમાં ત્રણ ટેંકર્સને ઈરાની સેનાએ હોર્મુઝથી બહાર જતા અટકાવ્યા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન દ્વારા નાજુક સમજૂતી લાગુ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં ઈરાન તરફથી માલવાહક જહાજ ઉપર કરવામાં આવેલો હુમલો શાંતિ માટે એક મોટો પડકાર બની શકે છે.

રિપોર્ટ અનુસાર અમેરિકી અધિકારીઓએ કહ્યું હતું કે, આઈઆરજીસીએ માલવાહક જહાજ ઉપર હુમલો કર્યો છે. આ હુમલા અંગે અમેરિકી સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. બીજી તરફ ઈરાનની ઈસ્લામિક સરકાર દ્વારા પણ કોઈ જાણકારી આપવામાં આવી નહોતી.

જો કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સમજૂતી બાદ અમુક સમય પહેલા જ ઈરાને ચેતવણી આપી હતી કે મંજૂરી વિના હોર્મુઝમાંથી બહાર નિકળતા જહાજ ઉપર કાર્યવાહી થઈ શકે છે.

હુમલાની વધારે જાણકારી આપતા બ્રિટનની નેવીએ કહ્યું હતું કે ઓમાનના તટ પાસે માલવાહક જહાજ સાથે એક પ્રોજેક્ટાઈલ ટકરાવાની જાણકારી મળી છે. આ હુમલામાં જહાજનો કન્ટ્રોલ રૂમ તબાહ થયો હતો. ઈરાને ભલે અમેરિકા હુમલામાં ઘણું ગુમાવ્યું છે પણ હોર્મુઝ ઉપર પુરો કન્ટ્રોલ મેળવ્યો છે અને નવો હુમલો આ વાતનો પુરાવો આપે છે.

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન (આઈએમઓ)ના સમર્થનથી જહાજોની સુરક્ષિત અવરજવર માટે એક અસ્થાયી સમુદ્રી કોરિડોર ઉપલબ્ધ કરાવાયો છે. આ નવી વ્યવસ્થામાં કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવશે નહી. બીજી તરફ ઈરાન લાંબા સમયથી હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને સુરક્ષાના બદલામાં શુલ્ક વસુલવાની તરફેણ કરી રહ્યું છે. તેવામાં ઈરાની સેનાએ ઓમાનના નવા માર્ગને પુરી રીતે અવૈધ ગણાવ્યો છે. ઈરાની સેનાનું કહેવું છે કે હોર્મુઝમાં માત્ર એવા માર્ગ જ માન્ય ગણાશે જે તેહરાને નક્કી કર્યા છે, વૈકલ્પિક માર્ગોથી બહાર જવાની કોશિશ કરી રહેલા જહાજો ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોરબી : ડમ્પર પાછળ કાર અથડાતા બે મિત્રોનાં મૃત્યુ June 27, Sat, 2026