• શનિવાર, 27 જૂન, 2026

અમદાવાદમાંથી અઝજએ રૂ. 8 કરોડનો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો પકડયો

મેડિકલ સ્ટોકિસ્ટની આડમાં ડ્રગ્સનો ધંધો કરતા આરોપી 2.08 લાખ ટેબ્લેટ્સ સાથે પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.26: ગુજરાત આતંકવાદ વિરોધી સ્ક્વોડ (એટીએસ)એ અમદાવાદમાં મોટી કાર્યવાહી કરતાં શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ નજીકથી અંદાજે રૂ.8.32 કરોડની કિંમતનો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.

પ્રાથમિક વિગતો મુજબ ટ્રામાડોલ નામના પ્રતિબંધિત ડ્રગ્સનો આ જથ્થો ખાનગી બસ દ્વારા ગુજરાતમાં ડિલિવરી માટે લાવવામાં આવી રહ્યો હતો. દવાના સ્ટોકિસ્ટની આડમાં આ સમગ્ર ડ્રગ્સની હેરાફેરીનો ધંધો ચાલી રહર્યો હતો. જો કે, ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલાં જ એટીએસએ મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. શાહીબાગ ખાતે આવેલી એમઆર ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી આશરે રૂ. 8.32 કરોડનો ટ્રામાડોલ ટેબ્લેટ્સનો જથ્થો કબજે કરી લીધો હતો. 

એટીએસના અધિકારીઓએ મુખ્ય આરોપી પરેશ જૈનની રાજસ્થાનથી ધરપકડ કરી છે અને હાલ પૂછપરછ કરી રહ્યા છે. આ ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકો તેમજ સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરવામાં આવી છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ અથવા વિતરણ ક્યાં થવાનું હતું તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ડ્રગ્સને ખોટા ઈન્વોઈસના આધારે રાજ્યમાં સપ્લાય કરવામાં આવતું હતું. એટીએસને બાતમી મળી હતી કે વલસાડના પારડીમાં રહેતો અને મૂળ રાજસ્થાનને પરેશ પારસમલ જૈન લાંબા સમયથી ગેરકાયદે રીતે સાયકોટ્રોપિક સબસ્ટન્સ ટ્રામાડોલનો વેપાર કરી રહ્યો છે. તકનિકી અને માનવ ગુપ્તચરની મદદથી એટીએસએ વધુ માહિતી મેળવી તેની ખરાઈ કર્યા બાદ આરોપીને પકડવા છટકું ગોઠવ્યું હતું. 

શાહીબાગમાં એમઆર ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરીમાં તપાસ કરાઈ હતી. જેમાં છ મોટા બોક્સમાંથી 416 નાના બોક્સ મળ્યા હતા. આ બોક્સમાં કુલ 4,160 સ્ટ્રીપ્સ એટલે કે 2.08 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ્સ મળી આવી હતી. આ જથ્થો પકડાય ત્યાં સુધીમાં મુખ્ય આરોપી પરેશ પારસમલ જૈન રાજસ્થાન ભાગી ગયો હતો. જોકે એટીએસની વિશેષ ટીમે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોગુંડા વિસ્તારમાંથી તેની ધરપકડ કરી લીધી હતી. કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

પરેશની હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માત્ર મે-2026થી અત્યાર સુધી 25 બેચમાં કુલ 62 લાખ 54 હજાર ટ્રામાડોલ ટેબલેટ્સ મગાવી રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સપ્લાય કરી હતી. આરોપી મેડિકલ સ્ટોકિસ્ટના લાઇસન્સની આડમાં મુખ્યત્વે ટ્રામાડોલના ગેરકાયદે વેપારમાં સંકળાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ હોવાનું જણાયું છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોરબી : ડમ્પર પાછળ કાર અથડાતા બે મિત્રોનાં મૃત્યુ June 27, Sat, 2026