• શનિવાર, 27 જૂન, 2026

અમરેલી-દલખાણિયા રેન્જમાં સિંહબાળનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો

સિંહબાળના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે

 

અમરેલી, તા.26: એક તરફ જ્યારે રાજ્ય સરકાર વન્યજીવોના સંરક્ષણ માટે મજબૂત દાવાઓ કરી રહી છે, ત્યારે ગિરના સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ધારી ગિર પૂર્વના દલખાણિયા રેન્જના સેમરડી બીટમાં રેવન્યુ વિસ્તારમાં આવેલા એક મંદિર પાછળથી 6થી 7 માસની ઉંમરના સિંહબાળનો મૃતદેહ મળી આવતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સિંહબાળના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા આજે અમરેલી જિલ્લાના પ્રવાસે હતા, ત્યારે જ ધારી ગિર પૂર્વ વનવિભાગ હેઠળની દલખાણિયા રેન્જના રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહબાળનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. દલખાણિયા વિસ્તારના સેમરડી બીટમાં આવેલા એક મંદિર પાછળ સિંહબાળ મૃત હાલતમાં પડયો હોવાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને વનવિભાગે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને સિંહબાળના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. 

પ્રાથમિક તબક્કે મોતનું કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

અધિકારીઓના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સિંહબાળના મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. તાજેતરના સમયમાં અમરેલી જિલ્લામાં એક તરફ સિંહોના હુમલાની ઘટનાઓ વધી રહી છે, તો બીજી તરફ સિંહોના મોતના બનાવો પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં દલખાણિયા રેન્જમાં સિંહબાળના મોતની ઘટનાએ સિંહપ્રેમીઓ અને વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલા લોકોમાં ચિંતા વધારી છે. અનેક લોકોએ સમગ્ર ઘટનાની તટસ્થ અને પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવી છે. જિલ્લામાં સતત બની રહેલી સિંહ સંબંધિત ઘટનાઓને પગલે વનવિભાગની કામગીરી અને વન્યજીવ સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. હવે સૌની નજર પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વનવિભાગની તપાસ પર કેન્દ્રિત થઈ છે, જે બાદ જ સિંહબાળના મોતનું વાસ્તવિક કારણ સામે આવશે.

 

જૂનાગઢ સિંહબાળ હત્યાનો ભેદ ઉકેલાયો: આરોપી કુતિયાણાથી ઝડપાયો

 

જૂનાગઢ, તા.26 : જૂનાગઢ વન વિભાગના ડુંગર (દક્ષિણ) રેન્જ હેઠળ આવેલા રબારી નેસ વિસ્તારમા બે દિવસ પહેલા આશરે 7થી 8 માસ વયના નર સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીરે બોથડ તથા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાનુ બહાર આવતા જૂનાગઢ વન વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી વૈજ્ઞાનિક અને કાયદાકીય ધોરણે તપાસમાં આ વિસ્તારનો બાવન પુના ચાવડાએ આ કૃત્ય કર્યાની શંકા દૃઢ બનતા ત્રણ ટીમે સઘન તપાસ હાથ ધરી કુતિયાણામાંથી ઝડપી લઇ

પૂછપરછ કરતા સિંહ બાળની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન સિંહબાળના શરીર પર ગંભીર શારીરિક ઇજાઓ જોવા મળતાં સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એકત્રિત થયેલા પુરાવાઓ, ટેકનિકલ વિશ્લેષણ અને બાતમીના આધારે શંકાસ્પદ આરોપી બાવન પુનાભાઈ ચાવડાની ઓળખ કરવામાં આવી હતી. આ શખસ ઘટના બાદ ફરાર થઈ ગયો હોવા છતાં, જૂનાગઢ વન વિભાગની ટીમે સતત શોધખોળ ચાલુ રાખી હતી. ચોક્કસ બાતમીના આધારે ગઈ મોડી રાત્રિથી શરૂ કરી આજે વહેલી સવાર સુધી પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકા વિસ્તારમાં વન વિભાગની ત્રણ ટીમો દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરી બાવન પુનાને શોધી કાઢી વધુ પૂછપરછ તથા કાયદેસરની કાર્યવાહી માટે તેને જૂનાગઢ લાવવામાં આવ્યો હતો.

વનવિભાગના અધિકારીઓની પૂછપરછમા બાવન પુનાએ સિંહબાળની હત્યા કર્યાની કબૂલાત કરી હતી અને વધુમાં જણાવ્યું કે ભૂતકાળમાં અનેક શ્વાન, સાપને પણ મારી નાખ્યાં છે. હકીકતે આ શખસની માનસિકતા પ્રાણીઓ, વન્ય જીવો પરત્વે હિંસક વલણ છે.

પ્રાથમિક પુરાવાઓના આધારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની વધુ પૂછપરછ અને તપાસ પૂર્ણ થયા બાદ તેને  અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે.

 

તળાજાના કઠવા ગામે ફળિયામાંથી બાળકીને દીપડો ઉપાડી ગયો

 

શ્રમજીવી પરિવારની બાળકી ફળિયામાં સૂતી હતી ત્યારે દીપડો તેને ઉપાડી ગયો હતો. જેની  પરિવારના સભ્યોને જાણ થતાં જ પળવારનો વિલંબ કર્યા વગર પાછળ દોડી હાંકલા પડકારા કરતા દીપડો બાળકીને મૂકી ભાગી ગયો હતો. મળતી વિગતો મુજબ તળાજાના મૂળ માખણિયા ગામના વતની અને હાલ કઠવાના વાડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની દીકરી ખુશી ગૌતમભાઈ પરમાર (ઉં.વ.5) ફળિયામાં સૂતી હતી. આ સમયે દીપડો આવીને ખુશીને ઉઠાવીને ભાગ્યો હતા ખુશી સાથે રહેલા અન્ય બાળકો દેકારો કરવા લાગતા પરિવારજનો દોડીને બહાર આવ્યા અને દીપડા પાછળ દોડી હાંકલા પડકારા કરવા લાગતા તે બાળકીને મૂકીને ભાગી ગયો હતો. બાળકીને ઇજા થતા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીંથી વધુ સારવાર માટે ભાવનગર રીફર કરવામાં આવી હતી. બનાવના પગલે આરએફઓ સહિત ફોરેસ્ટ કર્મીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. વન વિભાગે જણાવ્યું કે  આ વિસ્તારમાં દીપડાને પાંજરે પુરવા માટે બે દિવસથી કવાયત હાથ ધરવામાં આવી છે.

બાળકીના કાકા ઘનશ્યામભાઈ પરમારે જણાવ્યું કે અમો જમવા બેઠા હતા. બાળકોનો અચાનક દેકારો સંભળાતા દોડીને બહાર આવ્યા. દીપડો ખુશીને લઈ જતો જોવા મળ્યો. અમો પાછળ પડયા, રાડો પાડતા દીપડો ખુશીને મૂકીને ભાગી છૂટયો. ભૂલકાઓ ડર્યા નહીંને દેકારો કરતા ખબર પડી ને ખુશીનો જીવ બચી ગયો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોરબી : ડમ્પર પાછળ કાર અથડાતા બે મિત્રોનાં મૃત્યુ June 27, Sat, 2026