• શુક્રવાર, 26 જૂન, 2026

સુરત : લિવ-ઈનમાં રહેતી પ્રેમિકાએ ચપ્પુથી પ્રેમીને મૃત્યુને ઘાટ ઉતાર્યો

અકસ્માત મૃત્યુનો કેસ ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ હત્યામાં પલટાયો

સુરત, તા.25: સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ભાઠા ગામની ઝૂંપડપટ્ટીમાં સનસનાટીભરી ઘટના સામે આવી છે. છેલ્લા 8 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પ્રેમી-પ્રેમિકા વચ્ચેના રોજબરોજના ઝઘડાનો કરુણ અંત આવ્યો છે. 23 જૂનના રોજ મોડી સાંજે આર્થિક તંગી અને બેકારીના કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ પ્રેમિકા મનીષાબેને પ્રેમી રાજરત ઉર્ફે રાજુભાઈ યાદવને બટાકા છોલવાના ચપ્પુના ઘા ઝીંકીને પતાવી દીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક રાજુ કોઈ કાયમી કામધંધો કરતો ન હતો. ઘટનાની રાત્રે દારૂડિયા રાજુએ મનીષાબેન સાથે ગાળાગાળી કરી મારપીટ શરૂ કરી હતી. પોતાનો જીવ બચાવવા ચોકડી તરફ ભાગેલી મનીષાબેન પર રાજુએ ફરી હુમલો કરતા, ઝપાઝપી દરમિયાન મનીષાનો હાથ વાસણો વચ્ચે પડેલા બટાકા છોલવાના ચપ્પુ પર પડ્યો હતો. બચાવ અને ગુસ્સામાં તેણે ચપ્પુ રાજુના શરીરમાં હુલાવી દીધું હતું. લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાતા તબીબોએ રાજુને મૃત જાહેર કર્યો હતો. શરૂઆતમાં ઈચ્છાપોર પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધ્યો હતો. જોકે, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે કડક પૂછપરછ હાથ ધરી હતી. આખરે આરોપી મહિલાએ પોતાનો ગુનો કબૂલી લેતા પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની આગળની તજવીજ શરૂ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક