• સોમવાર, 29 જૂન, 2026

અમેરિકા-ઈરાનનાં સામસામા હુમલામાં શાંતિનો કચ્ચરઘાણ

ફરીથી એકબીજાનાં સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવતા યુદ્ધોન્માદી દેશ

ઈરાને ફરી હોર્મુઝમાં અડંગો નાખવાનો આપ્યો સંકેત : ટ્રમ્પે ધમકીઓ દોહરાવી

નવીદિલ્હી, તા.28 : અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ સમજૂતી હવે વેન્ટીલેટર આવી ગઈ છે. ફરીથી બન્ને દેશ શાંતિનાં કાગળિયા ફાડીને શત્રો ઉગામવા માંડયાં છે. જેમાં ઈરાન અને અમેરિકાએ એકબીજાનાં સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને ફરી એકવાર શક્તિશાળી હુમલા બોલાવ્યા છે. ફરીથી આવેલી આ ઉગ્રતા અને અમેરિકાના હુમલા બાદ ઉશ્કેરાયેલા ઈરાને જાહેર કરી નાખ્યું છે કે, આગામી 30 દિવસ સુધી હોર્મુઝ જળમાર્ગ ઉપર ફક્ત તેનું જ નિયંત્રણ રહેશે. એટલે કે, જો હવે આ યુદ્ધમાં ફરીથી કોઈ આક્રમકતા જોવા મળે તો ઈરાને ફરીથી હોર્મુઝનાં દરવાજા વાંસી દેવાની તૈયારી કરી નાખી હોય તેવા સંકેતો મળી રહ્યા છે.

આજે અમેરિકાએ ઈરાનનાં 10 ઠેકાણાઓ ઉપર હુમલો બોલાવ્યો હતો. આનાં જવાબમાં ઈરાને પણ ખાડી દેશોમાં અમેરિકાનાં 8 સૈન્ય મથકો ઉપર આક્રમણ કર્યું હતું. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશ્નરી ગાર્ડ કોર્પ્સ(આઈઆરજીસી) દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે, નૌસેના અને વાયુસેનાએ આજે વહેલી સવારે સંયુક્ત મિસાઈલ અને ડ્રોન ઓપરેશન હાથ ધરીને અમેરિકાનાં સૈન્ય ઠેકાણાઓને નિશાને લીધા હતા. આઇઆરજીસીનો દાવો છે કે, તેના દ્વારા કુવૈતમાં અલી અલ સલેમ એરબેઝ અને સલમાન બંદ, બહેરીનમાં પાંચમા બેડાંનાં નૌસેના મથક ઉપર પણ ધોંસ બોલાવવામાં આવી હતી. આ મથકોને નષ્ટ કરીને અમેરિકાની તાજેતરની આક્રમકતાનો નિર્ણાયક જવાબ આપવામાં આવ્યો છે.

ઈરાનનું કહેવું છે કે, ઈસ્લામાબાદ સમજૂતી કરારના આધારે હોર્મુઝ જળમાર્ગમાં પરિવહન નિયંત્રણ ઈરાનનાં હાથમાં છે અને હવે ત્યાંથી પસાર થવામાં નિયમ ઉલ્લંઘન કરનારા જહાજ સાથે અગાઉ કરતાં સખ્તાઈથી નિપટવામાં આવશે. દુશ્મનો દ્વારા કોઈપણ બહાને સંભવિત આક્રમકતા સામે કચડી નાખતી પ્રતિક્રિયા આપવામાં આવશે.

બીજીબાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, અમેરિકાનાં યુદ્ધ વિમાનોએ ઈરાનના મિસાઇલ અને ડ્રોન સુવિધા-ઠેકાણાઓ ઉપરાંત તટીય રડાર સાઇટો ઉપર હુમલો કર્યો છે. ટ્રમ્પે વળતો દાવો કર્યો હતો કે, ઈરાને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. ટ્રમ્પે આગળ ધમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, આ સંજોગોમાં હવે એવો સમય પણ આવી શકે છે જેમાં અમે સમજદારીથી કામ લઈ શકીએ નહીં અને પછી કામ સૈન્ય ઢબે જ પાર પાડવામાં આવી શકે છે.

------------

રશિયાએ યુક્રેનનાં બે યુદ્ધ વિમાન તબાહ કર્યાં

રશિયન સૈન્ય કારખાના ઉપર મિસાઇલ છોડી ઝેલેન્સ્કીએ લીધો બદલો

મોસ્કો, તા. 27 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ દિવસેને દિવસે વધારે ભીષણ થઈ રહ્યું છે. આ દરમિયાન રશિયાના રક્ષા મંત્રાલય તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે રશિયન સેનાએ દક્ષિણ યુક્રેનમાં એક એરબેઝ ઉપર યુક્રેની વાયુસેનાના બે મીગ-29 યુદ્ધ વિમાન નષ્ટ કર્યા હતા. જ્યારે યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે યુક્રેને રશિયાના વોલ્ગોગ્રાદમાં એક મહત્ત્વપૂર્ણ સૈન્ય સુવિધા ઉપર મિસાઇલ હુમલો કર્યો છે. રશિયાના રક્ષા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું  કે, દક્ષિણ યુક્રેનમાં નિકોલેવ શહેર પાસે જોઝનેસેંસ્ક એરફીલ્ડ ઉપર યુક્રેનના બે મીગ-29 વિમાનને ડ્રોન મારફતે નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. એક જેટ ખુલ્લા એરફીલ્ડમાં હતું. જ્યારે બીજું ઈંધણ ભરવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું હતું. રશિયાએ આ હુમલાનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. બીજી તરફ ઝેલેન્સ્કીએ ખુલાસો કર્યો હતો કે રશિયાના સૈન્ય પ્રતિષ્ઠાનને ફલેમિંગો મિસાઇલથી નિશાન બનાવવામાં આવ્યું હતું. જેનાથી પૂરા કેમ્પસમાં આગ ફાટી નીકળી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક