આ હાઇડ્રોપોનિક ગાંજાની હેરફેર સ્નિફર ડોગને લીધે ઝડપાઈ, સ્નિફર ડોગની આજે પહેલી ડયૂટી હતી
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.28 : અમદાવાદ સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ
વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 10.911 કિલોગ્રામ
હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. નોંધનીય છે કે, થાઇલેન્ડમાં ગાંજાના ઉપયોગને કાયદેસરની
માન્યતા મળ્યા બાદ ગુજરાત સહિત ભારતમાં હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરીના બનાવોમાં વધારો
થયો છે. મહત્ત્વનું છે કે, આ હાઈડ્રોપોનિક ગાંજાની હેરફેર સ્નિફર ડોગને લીધે ઝડપાઈ
હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત
માહિતી અનુસાર આ સમગ્ર ઘટનામાં કસ્ટમ્સ વિભાગના ટ્રેઇન્ડ સ્નિફર ડોગની ભૂમિકા અત્યંત
મહત્ત્વની રહી હતી. રૂટિન ચાકિંગ દરમિયાન જ્યારે કન્વેયર બેલ્ટ પરથી મુસાફરોનો સામાન
પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્નિફર ડોગે એક ચોક્કસ ટ્રોલી બેગ પાસે શંકાસ્પદ હલચલ કરી
હતી. આ ઈશારો મળતાં જ કસ્ટમ્સ અધિકારીઓએ તુરંત તે બેગના માલિકને અટકાવીને બેગનું એક્સ-રે
અને મેન્યુઅલ ચાકિંગ હાથ ધર્યું હતું. બેગ ખોલતાં તેમાંથી કપડાંની વચ્ચે ચાલાકીથી સંતાડવામાં
આવેલા 5 સિલ્વર કલરના વેક્યૂમ-સીલ્ડ પેકેટો મળી આવ્યા હતા, જેમાંથી આ તીવ્ર ગંધવાળો
ડ્રગ્સનો (જુઓ પાનું 10)
જથ્થો
મળી આવ્યો હતો.
બંધ
ઓરડામાં વાતાવરણમાં ઉગાડવામાં આવતો આ હાઇડ્રોપોનિક ગાંજો સામાન્ય ગાંજા કરતાં બજારમાં
દસ ગણી વધુ કિંમતે વેચાય છે. કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ દ્વારા પ્રાથમિક તપાસ
કર્યા બાદ, એનડીપીએસ એક્ટ હેઠળ ડ્રગ્સ જપ્ત કરી આરોપી મુસાફરની ધરપકડ કરી લીધી છે.
હાલમાં એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આ કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો અમદાવાદ કે ગુજરાતમાં
કયા લોકલ પેડલર્સને ડિલિવર કરવાનો હતો તે માટે આરોપીના મોબાઇલની કોલ ડિટેઇલ્સના આધારે
તપાસ શરૂ કરવામાં આવી છે.