પંજાબથી
ટેન્કરમાં દારૂ મંગાવી વાડીમાં ઉતારવાનું રેકેટ ઝડપાયું: 10 આરોપીઓ ફરાર
જામનગર,તા.29:ગુજરાત
સ્ટેટ મોનિટારિંગ સેલ અને લાલપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં જામનગર જિલ્લાના લાલપુર
તાલુકાના સણોસરી ગામની સીમમાં આવેલી વાડી પર દરોડો પાડીને અંદાજે રૂ. 1,00,85,530 ની
કિંમતનો વિદેશી દારૂ અને મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. પંજાબના પટિયાલાથી ટેન્કર
ટ્રકમાં દારૂનો વિશાળ જથ્થો મંગાવીને સણોસરી ગામની સીમમાં ઉતારવામાં આવી રહ્યો હોવાની
બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી રૂ. 20 લાખની કિંમતનું
ટેન્કર ટ્રક, રૂ. 77.09 લાખની કિંમતની 5,930 દારૂની બોટલો તેમજ મકાનમાંથી મળેલી 48
બોટલો, રોકડ, મોટરસાયકલો, મોબાઇલ અને અન્ય સામાન કબજે કર્યો છે. આરોપીઓએ દારૂની હેરફેર
માટે વાહનો પર ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરી સુનિયોજિત કાવતરું રચ્યું હતું, બનાવ અંગે
ગુનો નોંધીને વધુ તપાસ લાલપુર પોલીસ ચલાવી રહી છે.
આ પ્રકરણની
આગળની તપાસમાં સણોસરી ગામના ગાવિંદ ભાયા ડાંગર દ્વારા રાજસ્થાનના જીતેન્દ્રાસિંહ અને
પવનાસિંહના સંપર્કથી આ દારૂ મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે, જ્યારે સ્થળ પરથી
પકડાયેલા આરોપીઓમાં નગાભાઈ ભીમશીભાઈ ડાંગર, હેમત નગાભાઈ ડાંગર તથા સુરજપ્રકાશ સુમેરાસિંહ
જાટનો સમાવેશ થાય છે. પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે પરંતુ સૂત્રધાર,
દારૂ મંગાવનાર, ટેન્કર માલિક, અન્ય ડ્રાઇવર અને ફાસ્ટેગ ધારક સહિત કુલ દસ જેટલા અન્ય
આરોપીઓ ફરાર જાહેર કરાયા છે જેઓની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.