વડાપ્રધાનના આર્થિક સલાહકારે કહ્યું, રૂપિયાને ગબડતો અટકાવવા કરતાં મોંઘવારીને કાબૂમાં રાખવી વધારે જરૂરી
નવી દિલ્હી, તા.19 : વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાન્યાલે કહ્યું હતું કે ભારતે રૂપિયાને ગબડતો અટકાવવાના પ્રયાસ ન કરવા જોઈએ પરંતુ તેના કરતાં તેને બજારના હિસાબે પોતાનું સ્તર નક્કી કરવા દેવું જોઈએ. આપણું મુખ્ય લક્ષ્ય મોંઘવારી દરને કાબૂમાં રાખવાનું હોવું જોઈએ.
સાન્યાલે કહ્યુ હતું કે જ્યારે દેશે ફુગાવાને કાબૂમાં રાખવાની નીતિ અપનાવી હતી ત્યારે તેણે ચલણ વિનિમય દરના સ્થાને આર્થિક નીતિને પસંદ કરી હતી. સાન્યાલના જણાવ્યા અનુસાર, ખુલ્લા મૂડી ખાતા (ઓપન કેપિટલ એકાઉન્ટ) ધરાવતી અર્થવ્યવસ્થાઓમાં નીતિ ઘડવૈયાઓ માટે અનેકવિધ આર્થિક પડકારો ઊભા થતા હોય છે. ભારતનું આર્થિક માળખું એ મૂળભૂત સિદ્ધાંત પર કાર્ય કરે છે કે કોઈપણ રાષ્ટ્ર એક જ સાથે સ્વતંત્ર નાણાકીય નીતિ અમલમાં મૂકી શકે નહીં અને સાથોસાથ પોતાના ચલણના વિનિમય દર પર પણ સંપૂર્ણ અંકુશ જાળવી શકે નહીં.
ભારત જેવા મોટા અને આંતરિક રીતે મજબૂત દેશ માટે રૂપિયાના દર નિયત કરવાની જગ્યાએ મોંઘવારી દરને લક્ષિત કરવો એ જ યોગ્ય કદમ ગણાય એમ તેમણે કહ્યું હતું. સંજીવ સાન્યાલે સ્પષ્ટ કર્યું હતું’ઊકે ભારતે રૂપિયાના મૂલ્યમાં કૃત્રિમ દખલગીરી કરવાથી દૂર રહેવું જોઈએ. દેશમાં ’ફુગાવા લક્ષ્યાંક’ નીતિ અત્યંત સફળ સાબિત થઈ છે.
એક સમય એવો હતો જ્યારે ભારતમાં ફુગાવાનો દર ઊંચો રહીને 8 ટકાથી 12ટકાના જોખમી સ્તરે રહેતો હતો, જ્યારે છેલ્લા એક દાયકામાં આ ’ફુગાવા લક્ષ્યાંક’ (Inflation Targeting) નીતિના પ્રભાવથી તે ઘટીને 2 ટકાથી 6 ટકાના સુરક્ષિત દાયરામાં સફળતાપૂર્વક આવી ગયો છે. સંજીવ સાન્યાલે સ્પષ્ટ કર્યું કે રૂપિયાના વિનિમય દરને બજારના પ્રવાહ પર છોડી દેવાનો અર્થ એવો નથી કે કેન્દ્રીય બેંક અથવા સત્તાધીશો હાથ પર હાથ ધરીને નિક્રિય બેસી રહેશે.
સાન્યાલે એમ પણ કહ્યુંં હતું કે રૂપિયાનું નબળું પડવું એ હંમેશાં અર્થવ્યવસ્થા માટે નુકસાનકારક હોતું નથી. જો દેશમાં ફુગાવાનો દર નિયંત્રણમાં રહે, તો રૂપિયામાં આવતા ઘટાડાથી ભારતીય નિકાસકારોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક ફાયદો મળે છે.
--