સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત રાત્રિના સમયે હાથ ધરાયેલી કાર્યવાહીથી ચકચાર
વેરાવળ, તા.19: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીકના વિસ્તારમાં ગત મધરાત્રીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા મેગા ડિમેલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. બુલડોઝર અને અન્ય સાધનોની મદદથી મિલકતો તોડી પાડ્યા બાદ હાલ સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, આ વિવાદાસ્પદ કાર્યવાહી વચ્ચે સોમનાથના ઐતિહાસિક વારસા અને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા શિલાલેખની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જે વિસ્તારમાં ડિમોલિશન કરાયું ત્યાં ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગનું એક સત્તાવાર બોર્ડ હતું. આ બોર્ડ પર જણાવ્યા અનુસાર, અહીં ગાજી સુલતાન અહેમદ કાદરી મસ્જિદમાં ફારસી લિપિમાં કોતરાયેલો ઐતિહાસિક શિલાલેખ આવેલો હતો, જે સુલતાન અહમદશાહ બિન મહમ્મદશાહના સમયની યાદ અપાવતો હતો. આ સ્મારકને કાયદાકીય રીતે રક્ષિત જાહેર કરાયું હતું અને તેને નુકસાન પહોંચાડનાર સામે શિક્ષાત્મક જોગવાઈઓ પણ દર્શાવાઈ હતી. હવે ડિમોલિશન બાદ આ શિલાલેખ સુરક્ષિત છે કે તેને કોઈ ક્ષતિ પહોંચી છે, તે અંગે જવાબદાર તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
બીજી બાજુ, તંત્રનું માનવું છે કે સોમનાથ કોરિડોર અંતર્ગત સરકારે વેચાણ દ્વારા હસ્તગત કરેલી મિલકતો પર જ આ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ મધરાત્રે અચાનક પોલીસ બંદોબસ્ત વચ્ચે થયેલી આ કાર્યવાહીથી સ્થાનિક સ્તરે અનેક તર્ક-વતર્ક શરૂ થયા છે. સોમનાથ જેવા પવિત્ર અને ઐતિહાસિક સ્થળે પુરાતત્વ વિભાગના રક્ષિત સ્મારકની વર્તમાન સ્થિતિ અંગે વહેલી તકે સત્તાવાર ખુલાસો કરવામાં આવે તેવી પ્રબળ માગ ઉઠી રહી છે, જેથી પ્રાચીન વારસાની જાળવણી અંગેની ચિંતાઓ દૂર થઈ શકે.
તંત્ર કશું ખોટું નથી કરતું તો રાત્રે કામગીરી શા માટે ? : ધારાસભ્ય વિમલ ચુડાસમા
ધારાસભ્ય વિમલએ ડિમોલિશન અંગે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, એક તરફ તંત્ર દ્વારા ડીમોલિશનની કામગીરી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી અને બીજી તરફ મધ્યરાત્રિના સમયે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને કામગીરી કરવામાં આવી છે. જો તંત્રની કામગીરી નિયમોનુસર અને પારદર્શક હોય તો રાત્રિના અંધારામાં કામગીરી કરવાની જરૂર શું પડી ? તંત્ર કંઈ ખોટું કરતું નથી તો રાત્રિના અંધારામાં કામગીરી કરવાની શું જરૂર ? તેમણે સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓએ જાહેરમાં ખુલાસો કરવો જોઈએ તેવી માગ કરી છે.