- ક્રૂડ ઓઈલનો ભાવ 105 ડોલરને પાર ઃ ફરીથી દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાની ભીતિ ઃ રૂપિયો ગગડ્યો ઃ ભારતીય શેરબજાર દબાણમાં
નવીદિલ્હી,તા.10ઃ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી જ કાચા તેલની કિંમતોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ફરી ભડકવા લાગતાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ફરીથી તીવ્ર ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ વધીને 105 ડોલર
પ્રતિ બેરલ થઈ ગયો છે. તેથી ભારતમાં ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ સહિત ઈંધણનાં ભાવમાં વધારો થવાની ચિંતા ઉભી થવા લાગી છે. બીજીબાજુ ડોલર સામે રૂપિયો પણ કમજોરી દેખાડવા માંડÎો છે. જેનાં હિસાબે ભારતીય શેરબજારમાં પણ તેનું દબાણ વર્તાવા લાગ્યું છે.
દુનિયાભરમાં કાચા તેલની આયાત મુખ્યત્વે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે થાય છે. ભારત કાચા તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે અને અહીં મોટી માત્રામાં કાચું તેલ આ માર્ગેથી જ આવે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ કાચા તેલની કિંમતોમાં ઉતાર-ચઢાવ થાય છે, ત્યારે તેની સીધી અસર ભારત પર પડે છે. ફેબ્રુઆરીના અંતથી જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારથી કાચા તેલની કિંમતો સતત વધી રહી છે. તેની અસર મે મહિનામાં જોવા મળી હતી, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ચાર વખત વધારો કરવામાં આવ્યો હતો.
મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર વખત વધારો ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે કાચા તેલની કિંમતો સતત વધી રહી હતી અને તેમાં ઘટાડો થવાના કોઈ સંકેતો નહોતા. જોકે ભારત કાચા તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે, પરંતુ તે સંપૂર્ણપણે કોઈ એક જ દેશ પર નિર્ભર નથી. ભારતમાં કાચું તેલ અનેક દેશોમાંથી આવે છે, જેથી કોઈ એક દેશ અથવા એક જ માર્ગ પર સંપૂર્ણ નિર્ભરતા ન રહે. પરંતુ હાલમાં વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. આવી સ્થિતિમાં ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક મહિનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે પણ તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી શક્ય છે કે તેની અસર ઈંધણના ભાવ પર ન પડે.
એક તરફ સમગ્ર વિશ્વમાં કાચા તેલની કિંમતો વધી રહી છે, તો બીજી તરફ તેલ કંપનીઓને પણ ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એટલું જ નહીં, આ પરિસ્થિતિને કારણે ડોલર મજબૂત બન્યો છે, જ્યારે ભારતીય રૂપિયો પણ નબળો પડ્યો છે. આજે ભારતીય રૂપિયો 0.2% ઘટીને
પ્રતિ ડોલર 95.30ના સ્તરે પહોંચી ગયો છે, જે લગભગ 10 દિવસમાં
રૂપિયાનું સૌથી નીચું સ્તર છે.