- ગૃહમંત્રીના રાજીનામાની માગ સાથે પોલીસ-ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 10ઃ ભાવનગર લઠ્ઠાકાંડ અને રાજ્યમાં કથળતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને મુદ્દે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા આજે ગુજરાત વિધાનસભા પરિસરમાં આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એપ્રન પહેરીને પહોંચેલા કોંગ્રેસી વિધાયકોને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા બંને પક્ષો વચ્ચે ભારે ઘર્ષણ અને ધક્કામુક્કીના દૃશ્યો સર્જાયા હતા.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ.તુષાર ચૌધરી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ વિધાયકોએ રાજ્યમાં દારૂ-ડ્રગ્સનું નેટવર્ક બંધ કરવા, નશાના બદલે રોજગાર આપવા તેમજ પોલીસ હપ્તાખોરી બંધ કરવા જેવા વિવિધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. વિરોધ કરી રહેલા નેતાઓએ ઝેરી દારૂના વેપારીઓને ફાંસી તેમજ હપ્તાખોર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે નિષ્ફળ કાયદો-વ્યવસ્થા માટે રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની મક્કમ રજૂઆત કરી હતી.
પોલીસના વર્તન અંગે પ્રહાર કરતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારે જે પોલીસનો ઉપયોગ ડ્રગ્સ અને દારૂના દૂષણને રોકવા માટે કરવો જોઈએ, તે જ પોલીસ કન્ટેનર ભરીને આવતા નશાના કારોબાર સામે કાર્યવાહી કરવાના બદલે કોંગ્રેસના ધારાસભ્યોને અટકાવી પોતાની બહાદુરી બતાવી રહી છે.
બીજી તરફ, અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, લઠ્ઠાકાંડના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે અને પરિવારો બરબાદ થઈ રહ્યા છે, છતાં શાસકોથી હપ્તાખોરી છૂટતી નથી. પોલીસ દ્વારા પોસ્ટરો ફાડવા અને ધારાસભ્યો સાથે ખેંચાખેંચ કરવાની ઘટનાને જનતા જોઈ રહી છે. તેમણે ચીમકી આપી હતી કે આવનારા સમયમાં કોંગ્રેસના લાખો કાર્યકરો સડકથી લઈને સંસદ સુધી આ મુદ્દે લડત ચલાવશે અને સરકારની નીતિઓને ખુલ્લી પાડશે.