• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

બેનામી ફરિયાદો સામે સુપ્રીમ નારાજ

બિલ્ડર-બેંક લોબી સામેના કેસ વખતે કહ્યું, જરૂર પડશે તો સીબીઆઈની તપાસ

 

નવી દિલ્હી, તા. 18 : એમિકસ ક્યૂરી (કોર્ટમિત્ર) અને વકીલો સામેની બેનામી ફરિયાદો સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. બિલ્ડર-બેંક  સિંડિકેટ અને હોમલોન વ્યાજ સહાય યોજનાના દુરુપયોગથી જોડાયેલા કેસની સુનાવણી દરમ્યાન કોર્ટે આવી બેનામી અરજીઓને દબાણ બનાવવાની કોશિશ ગણાવી હતી. મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંતે કહ્યું કે જરૂર પડશે તો આવી ફરિયાદો પાછળ કોણ છે તે જાણવા માટે સીબીઆઈ તપાસનો આદેશ આપવામાં આવશે.

સીજેઆઈ, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વી. મોહનાની બેન્ચે જણાવ્યું હતું કે એવી પ્રબળ સંભાવનાઓ છે કે આવી બેનામી અરજીઓ પાછળ બિલ્ડરો હોય અને કદાચ કેટલાક વકીલ જેમણે આવી ખોટી સલાહ આપી હોય. જોકે તેમણે એ સમજવૃં પડશે કે અમે મજબૂત લોકો છીએ. આવી હરકતો અમને પાછળ હટાવી શકશે નહીં. અમને દબાણમાં લેવાની યુક્તિ સફળ થવાની નથી. કોર્ટે એડિશનલ સોલિસીટર જનરલ ઐશ્વર્યા ભાટીને ફરિયાદોનો એક સેટ સોપતાં કહ્યું હતું કે આ ફરિયાદોની પાછળ કોણ છે તેની તેઓ તપાસ કરે. આગામી સુનાવણીના ફરિયાદોનો વધુ એક સેટ સોંપવામાં આવશે.

કોર્ટે સંકેત આપ્યો હતો કે આવી ફરિયાદોની પાછળ બિલ્ડર કે તેમના માટે કામ કરતા વકીલો જણાશે તો એફઆઈઆર નોંધાવીને તપાસને તેના તાર્કિક પરિણામ સુધી પહોંચાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 29 એપ્રિલ 2025ના સર્વોચ્ચ અદાલતે બિલ્ડરો અને બેન્કોની કથિત મીલિભગતથી મકાન ખરીદનારાઓને થયેલા નુકસાનની તપાસ સીબીઆઈને સોંપી હતી. મામલાની શરૂઆત આશરે 1200 જેટલી ફરિયાદોથી થઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક