સુરત, તા.18 : સુરતના વરાછામાં આપઘાતની હૃદયદ્રવ્ય ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ત્રણ દિવસ અગાઉ પત્નીએ પોતાના સાથી કર્મચારી એવા પ્રેમી સાથે તાપી નદીના કિનારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પત્નીના આ પગલાં અને તેના પ્રેમસંબંધના આઘાતમાંથી બહાર ન આવી શકેલા 40 વર્ષીય પતિએ પણ ઘરમાં છતના એંગલ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે.
મળતી
માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ વરાછા લાભેશ્વર ભવન નજીક રહેતા અને સુરત
મનપાના વરાછા ઝોનમાં ફરજ બજાવતા સિદ્ધાર્થ ખેરનાર (ઉં.40)ની 29 વર્ષીય પત્ની શર્મિલા(નામ
બદલ્યુ છે) ગત મંગળવારે સવારે રોજની જેમ સફાઈ કામ માટે નીકળી હતી. મોડી સાંજ સુધી તે
ઘરે પરત ન આવતા સિદ્ધાર્થે તેના મોબાઈલ પર કોલ કર્યો હતો. ફોન કોઈ અજાણ્યા વ્યક્તિએ
ઉપાડી જણાવ્યું હતું કે એક મહિલા અને યુવક વરીયાવ બ્રિજ નીચે સિદ્ધનાથ મહાદેવ મંદિર
પાસે બેભાન હાલતમાં પડયા છે. ઘટનાની જાણ થતાં જ પતિ સહિતના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા
હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને સ્મીમેર હોસ્પિટલ ખસેડયા હતા. ફરજ પરના તબીબોએ
યુવકને મૃત જાહેર કર્યો હતો, જ્યારે શર્મિલાની હાલત નાજુક હોવાથી ખાનગી હોસ્પિટલમાં
ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ
ઉત્રાણ લેક ગાર્ડન પાસે રહેતા પરેશ નાનજી ચૌહાણ (ઉં.40) તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં
સામે આવ્યું હતું કે શર્મિલા અને પરેશ બંને એક જ સ્થળે સાથે કામ કરતા હતા, જ્યાં બંને
વચ્ચે પરિચય થયા બાદ પ્રેમ થયો હતો. કોઈ અંગત કારણોસર કે મનદુ:ખ થતાં બંનેએ તાપી નદીના
પાળે જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
ઘટનાને
પગલે પત્નીના મૃત્યુના આઘાત વચ્ચે અફેરની વિગતો સામે આવતાં તે ગંભીર માનસિક તણાવ અને
ડિપ્રેશનમાં આવી ગયો હતો. પરિવારજનો તેને સતત સાંત્વના આપી સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા
હતા, પરંતુ પત્નીના વિયોગ અને વિશ્વાસઘાતના આઘાતને તે સહન કરી શક્યો નહોતો અને આખરે
ઘરમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. આ મામલે વરાછા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો
નોંધી તપાસ હાથ ધરી છે.