મુખ્યમંત્રીએ દાહોદ પ્રવાસ દરમિયાન રતનમહાલ પ્રોજેક્ટની સમીક્ષા, આંગણવાડીની ઓચિંતી મુલાકાત લઇ બાળકો સાથે કર્યો આત્મીય સંવાદ અને જનસુનાવણી યોજી
વડોદરા,
તા.19ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાના આદિજાતિ વિસ્તાર ગરબાડાની મુલાકાતે
છે. પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રીએ વિકાસકામોની સમીક્ષા સાથે આદિવાસી પરિવારો, બાળકો,
મહિલાઓ અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને પોતાની સાદગી અને સંવેદનશીલતાનો પરિચય
કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ
ધાનપુર તાલુકાના રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. અહીં વન વિભાગના હોલમાં જિલ્લાના
અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ વિકાસકામોની પ્રગતિ અને આગામી આયોજનની સમીક્ષા
કરી હતી. ત્યારબાદ ગરબાડા જવાના માર્ગમાં પીપરગોટા ગામે તેમણે અચાનક પોતાનો કાફલો રોકાવ્યો
હતો અને કાચા રસ્તે ચાલીને આદિવાસી ખેડૂત બકુલભાઈ વાખળાના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે
પરિવાર સાથે મકાઈની ખેતી, આજીવિકા અને ખેતીની સ્થિતિ અંગે વાતચીત કરી હતી. પરિવારના
બાળક સાથે તેના અભ્યાસ અને શાળા અંગે પણ આત્મીય સંવાદ કર્યો હતો.
આ ઉપરાંત,
પિપરગોટા ગામના નંદઘર-આંગણવાડી કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈને બાળકોને અપાતા પૌષ્ટિક
નાસ્તા, આરોગ્ય અને પોષણની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આંગણવાડી કાર્યકરો પાસેથી
બાળકોની હાજરી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની
વિગતો પણ મેળવી હતી.
મુખ્યમંત્રીએ
ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે જનસુનાવણી યોજી નાગરિકોની રજૂઆતો સાંભળી તંત્રને જરૂરી
માર્ગદર્શન આપ્યું હતું. પ્રવાસની પ્રથમ રાત્રિએ ભિંડોલ ગામે રોકાણ દરમિયાન ગ્રામજનો
સાથે ખાટલા બેઠક યોજી હતી અને આદિવાસી ભજન મંડળીના ભજન-કીર્તનનો પણ આનંદ માણ્યો હતો.
મુખ્યમંત્રીએ
જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અંતરિયાળ આદિજાતિ વિસ્તારોમાં
શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને પાયાની સુવિધાઓ દ્વારા વિકાસના લાભો છેવાડાના
લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.